ભગવદ્પુરાણમાં અપાયેલી થિયરી અનુસાર, મહાવિષ્ણુનાં શરીર પર આવેલા આવા કરોડો-અબજો છિદ્રોમાંથી નવા-નવા બ્રહ્માંડનું સર્જન થાય છે, ઉપરાંત, છિદ્રમાંથી દર વખતે એક નવા વિષ્ણુ ઉત્સર્જિત થઈને નવા બ્રહ્માંડનાં કર્તા-હર્તા બની જાય!
– પરખ ભટ્ટ
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा
વૈજ્ઞાનિકોની થિયરી મુજબ, બ્રહ્માંડનાં વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા અવિરતપણે ચાલુ છે. આકાશગંગાઓનાં દ્રવ્ય પર હાલ સૌથી વધુ પ્રયોગો થઈ રહ્યા છે. ખાસ વાત તો એ છે કે હિંદુ વેદ-પુરાણોમાં શ્રી હરિ વિષ્ણુની યોગનિદ્રા સાથે તેમની આ સાયન્ટિફિક થિયરી બંધબેસતી પૂરવાર થઈ છે. અત્યારસુધી આપણે એવું માનતા રહ્યા કે સમગ્ર બ્રહ્માંડમાં ફક્ત પૃથ્વી પર માનવજીવનનું અસ્તિત્વ છે. પરંતુ પરગ્રહવાસીની કલ્પનાએ આપણી આ માન્યતામાં છીંડુ પાડી દીધું છે. એ તો નક્કી છે કે બ્રહ્માંડમાં આપણે એકલા નથી! વૈજ્ઞાનિકો હજુ એલિયન્સને રૂબરૂ જોઇ નથી શક્યા પરંતુ તેઓને પરગ્રહવાસીનાં અસ્તિત્વ વિશે તો પૂરેપૂરી ખાતરી થઈ ચૂકી છે.
- Advertisement -
આપણી મિલ્કી-વે આકાશગંગામાં લાખો-કરોડો સૂર્ય એકીસાથે ચમકી રહ્યા છે. દરેકનાં પોતપોતાનાં ગ્રહો-ઉપગ્રહો છે. આપણો સૂર્ય તો ફક્ત એમાંનો એક નાનકડો અમથો અંશ છે. અમેરિકન સ્પેસ કંપની ‘નાસા’ દ્વારા હાલ સોલર પ્રોબને સૂર્યનાં સૌથી નજીકનાં વાતાવરણ સુધી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે વિચાર કરો, હજુ તો આપણે સૂર્ય સુધી પહોંચવામાં સફળ નથી થયા ત્યારે સૂર્યમંડળની બહારનાં ગ્રહો-ઉપગ્રહો વિશે તો તર્ક કેવી રીતે લગાડી શકાય!? એમાંય પાછું મિલ્કી-વે આકાશગંગાનાં કરોડો-અબજો સૂર્ય ઉપરાંત તેની આજુબાજુની લાખો આકાશગંગાનાં અવકાશી દ્રવ્ય પણ ખરા!
કલ્પનાશક્તિની હદ આવી જાય ત્યાં સુધી વિચારીએ તો પણ આકાશગંગા અને બ્રહ્માંડનુ આ લોજિક ગળે ન ઉતરે! પરંતુ હજારો વર્ષ પહેલા લખાયેલ આપણા વેદ-ઉપનિષદ બ્રહ્માંડના સર્જન અને વિનાશ અંગે વિગતવાર માહિતી પૂરી પાડે છે.
ભગવદપુરાણમાં મહાવિષ્ણુને ‘આદિ પુરૂષ’ (જેની પહેલા કશાનું અસ્તિત્વ નહોતું અને જેનાં પછી પણ કશાયનું અસ્તિત્વ નહી રહે) કહ્યા છે. પ્રબળ શુન્યાવકાશ દરમિયાન આદિપુરૂષની ઇચ્છાશક્તિ અને યોગબળને પ્રતાપે સત્વ, રજસ અને તમસનું સંતુલન ખોરવાઈને બ્રહ્માંડનાં સર્જનની પ્રક્રિનાનો આરંભ થાય છે. જેને ‘મહત-તત્વ’ કહે છે. રજોગુણનાં ત્રણ ભાગ અને તમોગુણનો એક ભાગ સંયોજન પામીને મહત-તત્વનું નિર્માણ કરે છે. (અહીં એવું માની લેવાનું જરૂર નથી કે સર્જન પ્રક્રિયામાં સત્વ ગુણની આવશ્યકતા નથી હોતી! રજોગુણ અને તમોગુણનું સત્વગુણ સાથે મિશ્રણ હોવાથી સત્વની હાજરી વિશે કોઇ પ્રશ્ન જ પેદા નથી થતો. ઉલ્ટું, તમોગુણમાં તો સત્વગુણની હાજરી સૌથી વધુ હોય છે!) સરળ ભાષામાં કહેવું હોય તો, મહત-તત્વ એ ખરેખર ભ્રમમાં ઉભી થયેલી વાસ્તવિકતા છે (એક એવી વર્ચ્યુઅલ રિઆલિટી, જે વાસ્તવિક હોવા છતાં કામચલાઉ છે!) સર્જનનાં આ પ્રથમ પગથિયા (સર્ગ)ને અંતે ‘મન’ જાગ્રત થાય છે.
બીજા સર્ગમાં ‘મન’ સમગ્ર બ્રહ્માંડને પંચ-મહાભૂત પ્રદાન કરે છે : જલ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી! પંચ મહાભૂત એકબીજા સાથે મિશ્રિત થઈને સર્જનની પ્રક્રિયાને આગળ ધપાવે છે. (લાલ, નીલા અને લીલા રંગને અલગ-અલગ પ્રમાણમાં ભેળવવામાં આવે તો આપણને બીજા ઘણા રંગો પ્રાપ્ત થઈ શકે છે. એ જ રીતે પંચ મહાભૂતનું મિશ્રણ અલગ-અલગ બ્રહ્માંડનાં સર્જન માટે કારણભૂત છે!) હવે આવે છે થર્ડ સ્ટેપ એટલે કે ત્રીજા સર્ગનો વારો!
ત્રાજા સર્ગ દરમિયાન દસ ઇન્દ્રિયો નિર્માણ પામે છે. ચક્ષુ, કર્ણ, ઘ્રાણ, સ્પર્શ અને રસ જેવી પાંચ ભાવ-ઇન્દ્રિય અને મોં, હાથ, પગ, ગુદા અને જનનાંગ જેવી પાંચ દ્રવ્ય-ઇન્દ્રિયોનાં નિર્માણ સાથે ત્રીજું સર્ગ પૂરું થાય છે. કેટલીક નાની-મોટી બાબતોને બાદ કરતાં મોટે ભાગે દરેક ધાર્મિક ગ્રંથોમાં બ્રહ્માંડનાં સર્જન વિશેની પ્રક્રિયા એકસમાન દર્શાવવામાં આવી છે.
- Advertisement -
માનવ-બ્રહ્માંડનુ સર્જન ઉપર વર્ણવેલા ત્રણેય મૂળ સર્ગને અનુસર્યા બાદ મહાવિષ્ણુની સર્જન-પ્રક્રિયા હવે વાસ્તવિક બ્રહ્માંડનાં નિર્માણ તરફ આગળ ધપે છે. વિજ્ઞાનમાં આપણે ભણી ચૂક્યા કે શરીર પરનાં લાખો છિદ્રો સતત સંકોચન અને વિસ્તરણ પામે છે. ઉંમર વધે એમ તેમાંથી રૂંવાટી જેવા વાળ ઉગવા માંડે છે. ભગવદપુરાણમાં અપાયેલી થિયરી અનુસાર, મહાવિષ્ણુનાં શરીર પર આવેલા આવા કરોડો-અબજો છિદ્રોમાંથી નવા-નવા બ્રહ્માંડનું સર્જન થાય છે. ઉપરાંત, છિદ્રમાંથી દર વખતે એક નવા વિષ્ણુ ઉત્સર્જિત થઈને નવા બ્રહ્માંડનાં કર્તા-હર્તા બની જાય (માનવ-શરીર એક પરંતુ લોહીમાંના કોષોની સંખ્યા અબજોમાં જોવા મળે; એ જ રીતે મહાવિષ્ણુ એક, પરંતુ તેમનાં શરીરમાંના અબજો શ્રીવિષ્ણુ એકીસાથે ઉત્સર્જિત થાય એ પ્રક્રિયા!) મહાવિષ્ણુનાં છિદ્રોમાંથી નીકળેલા અન્ય શ્રીવિષ્ણુને ‘ગર્ભોદકશાયી વિષ્ણુ’ તરીકે ઓળખવામાં આવે છે.
હવે, આજનાં વિજ્ઞાને બ્રહ્માંડ સર્જન અને વિનાશ માટે સાબિત કરેલી થિયરી પર નજર ફેરવીએ. અવકાશી દ્રવ્યોનાં સંકોચન અને વિસ્તરણની પ્રક્રિયા એકીસાથે થતી જોવા મળે છે. ખગોળવિજ્ઞાન કહે છે એમ, હાલ આપણું બ્રહ્માંડ સંકોચન પામી રહ્યું છે. ભગવદપુરાણમાં પણ કહેવાયું છે કે જ્યારે મહાવિષ્ણુ ઉચ્છશ્વાસ બહાર ફેંકે છે એ દરમિયાન બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે. જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી બ્રહ્માંડ સતત વિસ્તરે છે. પરંતુ જ્યારે તેઓ શ્વાસ અંદર ખેંચે છે ત્યારે બ્રહ્માંડ સંકોચન પામવાનું શરૂ કરે છે અને અંતમાં, મહાવિષ્ણુ સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી પુન:સર્જનની દિશામાં આગળ વધે છે.
વૈજ્ઞાનિકો તો બ્રહ્માંડનાં સંકોચનની વાત પૂરવાર કરી ચૂક્યા છે અને ભગવદપુરાણ પણ આ વાતની ખાતરી પૂરાવે છે. કાળચક્રનો સૌથી છેલ્લો કળિયુગ પણ પૂરો થવાની તૈયારીમાં છે. તો આનો સીધો મતલબ એ થાય કે મહાવિષ્ણુ હવે ધીરે-ધીરે પોતાની સમગ્ર લીલાનો સંકેલો કરી રહ્યા છે. તેમનાં એક શ્વાસ-ઉચ્છશ્વાસની પ્રક્રિયા દરમિયાન કંઈ-કેટલીય સદીઓ અને યુગો પૂરા થઈ ગયા અને હજુ પણ નિરંતર ચાલુ જ છે. આપણે સૌ એમની માયા છીએ. કશું જ સત્ય નથી, છતાં બધું સત્ય છે! વાસ્તવિક અને આભાસી પરમતત્વનાં આપણે સૌ વંશજો છીએ.
ગર્ભોદકશાયી વિષ્ણુ એ મહાવિષ્ણુનાં છિદ્રમાંથી ઉત્પન્ન થયેલ વિષ્ણુ-વંશજ છે (એમ સમજોને કે, મહાવિષ્ણુ એટલે પ્રાઇમ-મિનિસ્ટર અને વિષ્ણુ-વંશજ એટલે ચીફ મિનિસ્ટર!) અંડાકાર બ્રહ્માંડનાં અસ્તિત્વમાં આવતાંની સાથે જ તેઓ સમગ્ર અવકાશને પાણી વડે ભરી દે છે. ત્યારબાદ, તેમની નાભિમાંથી કમળનાં ફૂલ પર બ્રહ્માનું ઉત્સર્જન થાય છે, જે સમગ્ર વિશ્વમાં જીવન-ધબકાર પેદા કરે છે. ગર્ભોદકશાયી વિષ્ણુનું બીજું નામ હિરણ્યગર્ભ છે, જેને પૂજાઘરમાં આપણે અંડાકાર વિષ્ણુ તરીકે પૂજીએ છીએ. આજે પણ ઘણા ઘરમાં શ્રીવિષ્ણુની મૂર્તિ નહી પરંતુ હિરણ્યગર્ભ સ્વરૂપ વિષ્ણુ જોવા મળે છે, જે ખરેખર બ્રહ્માંડનાં રચયિતા હોવાનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
મહાવિષ્ણુની સૂક્ષ્મ ચેતનામાંથી પ્રગટ થયેલ કરોડો-અબજો શ્રી (ગર્ભોદકશાયી) વિષ્ણુ પોતપોતાનાં અલગ બ્રહ્માંડોના અધિપતિ છે. તેમનાં અવતરણને 1000 મહાયુગ વીતી ગયા બાદ પ્રત્યેક ગર્ભોદકશાયી વિષ્ણુની નાભિમાંથી ભગવાન બ્રહ્મા કમળનાં આસન પર સૃષ્ટિચક્રમાં પ્રવેશ કરે છે. વૈજ્ઞાનિક શૈલીમાં કહેવું હોય તો, માતાની નાળ સાથે જેમ બાળક જોડાયેલું હોય એ જ રીતે, બ્રહ્મા પણ શ્રીવિષ્ણુનાં નાભિકમળ સાથે અતૂટ સંબંધ ધરાવે છે.
નવજાત શિશુ માતાનાં ગર્ભમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તો મોટા અવાજે આક્રંદ કરવાનું શરૂ કરી દેશે, બરાબર!? બિલકુલ આ જ રીતે ગર્ભોદકશાયી વિષ્ણુનાં નાભિકમળમાંથી જન્મ લીધા બાદ ભગવાન બ્રહ્મા શુન્યમનસ્ક ભાવે પોતાની આજુબાજુ છવાયેલ ઘેરા અંધકારને દૂર કરવાનાં પ્રયાસો કરવા લાગે છે. ટીવી સીરિયલોમાં તેમનાં ત્રણ મસ્તક દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેમને પાંચ મસ્તકો છે, જે જન્મતાંવેત ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ) અને ઉર્ધ્વભાગનાં મસ્તક વડે પોતાની આજુબાજુમાં પ્રકાશની શોધ કરે છે. તદ્દન દિશાહીન હોવાને લીધે તેઓ મૂંઝાઈને ધ્યાનમુદ્રામાં બેસી જાય છે. ફરી 100 મહાયુગ વીતી જાય છે અને આખરે શ્રી ગર્ભોદકશાયી વિષ્ણુ તેમને માર્ગ સૂઝાડવા માટે પોતાનાં પૂર્ણ સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે.
શ્રીવિષ્ણુ સૃષ્ટિનાં સર્જનથી માંડીને બ્રહ્માનાં જીવન-પ્રયોજન સુધીની તમામ ગાથા તેમને વિસ્તૃત રીતે સમજાવી આપે છે. પોતાનાં સમગ્ર જીવન-કાર્યથી માહિતગાર થઈને બ્રહ્મા જીવસૃષ્ટિનું સર્જન કરવાનો આરંભ કરે છે. તેઓ સૌપ્રથમ હાલીચાલી ન શકે તેવા સ્થિર પદાર્થો (જેમકે ગ્રહ, પહાડ, નદી વગેરે) નું નિર્માણ કરે છે (ગ્રહ પોતે ક્યારેય ભ્રમણ નથી કરતો. ગુરૂત્વાકર્ષણબળ તેને આમ કરવા પર મજબૂર કરે છે!) ત્યારબાદ, ઝાડ, છોડ, ઔષધિ, 12 પ્રકારનાં પંખી, 28 પ્રકારનાં પ્રાણીનું સર્જન કર્યા બાદ ચાર સનાતન કુમારોનો જન્મ થાય છે. પરંતુ તેઓ બ્રહ્માનાં સર્જનનાં કાર્યને અવગણીને ધ્યાન-તપ અને અધ્યાત્મનાં રસ્તે ચાલી નીકળે છે. જેનાં લીધે ક્રોધે ભરાયેલ બ્રહ્મા પોતાનાં ત્રીજા નેત્રમાંથી અતિ વિનાશકારી પરમ શિવતત્વનું ધ્યાન ધરે છે. ભગવાન રૂદ્ર, તેમનાં એકસમાન દેખાતાં 10 સ્વરૂપો (ક્લોન્સ) સાથે અર્ધનારીશ્વરરૂપે પ્રગટ થઈને વિશ્વને નારીશક્તિ ‘રૂદ્રાણી’ પ્રદાન કરે છે.
હવે વારો આવે છે બ્રહ્માનાં માનસપુત્રોનો! અત્રિ, અંગિરસ, અથર્વ, ભૃગુ, દક્ષ, મારિચી, પુલહ, પુલત્સ્ય, વશિષ્ઠ અને નારદ સહિતનાં દસેય માનસપુત્રોનાં અવતરણ બાદ તેમની વિરક્તિથી ક્રોધે ભરાયેલ બ્રહ્મા અનેક તામસિક શક્તિ (અસુર/રાક્ષસ) પેદા કરે છે. થોડા સમય બાદ ગુસ્સો શાંત થતાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પરિણામસ્વરૂપ, જન્મ લે છે દેવતાઓ! પછી તો પિતૃ, દેવી સરસ્વતી, ગાયત્રી તેમજ પ્રસુતિ પણ સૃષ્ટિચક્રમાં પ્રવેશ લે છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસુતિએ ત્યારબાદ ધરતી પર જીવનને આગળ ધપાવ્યું હોવાની કથા છે.
શ્રીમદ ભાગવતમ મુજબ, સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યા બાદ બ્રહ્માજી ખૂબ થાક્યા હોવાથી તેમણે થોડો સમય આરામ ફરમાવવાનું નક્કી કર્યુ. જેનાં ફળ સ્વરૂપે, અજાણતાં જ તેમની કાયામાંથી સ્વયંભુ મનુએ જન્મ લીધો. સાથોસાથ દૈવી સ્વરૂપ શતરૂપાએ પણ પૃથ્વી પર અવતરણ કર્યુ. બાઇબલમાં દર્શાવેલ એડમ-ઇવનું વર્ણન પણ મનુ-શતરૂપા સાથે ઘણું મેળ ખાય છે!
હિંદુ વેદ-પુરાણોમાં અપાયેલ બ્રહ્માંડનાં સર્જનને અગર આજનાં મોડર્ન સાયન્સ સાથે સરખાવીને જોઈએ તો સમજી શકાય કે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોથી બનેલા પરમાણુ વાયુ-સ્વરૂપમાં એકઠા થઈને અલગ-અલગ તત્વોનું નિર્માણ કરે છે. ક્રમાનુસાર, સ્થિર પદાર્થો જેમકે ગ્રહો, પહાડ, રેતી આકાર લે છે. અને ત્યારબાદ પ્રાણી, પંખી, જળચર, ઔષધિ અસ્તિત્વમાં આવે છે. સૌથી છેલ્લે મનુષ્ય નિર્માણ સાથે સર્જનની પ્રક્રિયા પૂરી થાય છે.
વાતનું સમાપન કરતાં પહેલા એક ખાસ નોંધ! પુરાણોમાં જે દશાવતારનો ઉલ્લેખ થયેલો છે એ ખરેખર મહાવિષ્ણુ કે ગર્ભોદકશાયી વિષ્ણુનાં રૂપો નથી! આશ્ચર્ય થાય એવી વાત જરૂર છે પરંતુ સત્ય તો એ છે કે મહાવિષ્ણુનું ત્રીજું અને આખરી સ્વરૂપ ‘ક્ષિરોદકશાયી વિષ્ણુ’ છે! તેમને આપણે પરમાત્મા સ્વરૂપે પૂજીએ છીએ. તેઓ દરેક યુગમાં અલગ-અલગ અવતારો ધારણ કરી વિશ્વને અધર્મની ચુંગાલમાંથી મુક્ત કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરે છે. સોનેરી રંગના ગરૂડ પર સવાર થઈને તેઓ પાલક-દેવની ભૂમિકા ભજવે છે. ક્ષીરસાગરમાં શેષનાગનાં આસન પર દેવી લક્ષ્મી સાથે બિરાજેલા ભગવાન વિષ્ણુ સમગ્ર બ્રહ્માંડની દેખરેખ કરે છે. ધ્રુવલોકનાં શ્વેતદીપ પર આવેલા ક્ષીરસાગરમાં તેમનું રહેઠાણ હોવાથી તેમને ‘ક્ષિરોદકશાયી વિષ્ણુ’ કહેવાયા છે. દરેક યુગ તથા મનવંતરમાં જ્યારે-જ્યારે અધર્મનો ઉદય થવા લાગે તેઓ લક્ષ્મીજીની આજ્ઞા લઈને પૃથ્વી પર મનુષ્યદેહ ધારણ કરવા તત્પર બને છે. દરેક બ્રહ્માંડ અને અન્ય કરોડો-અબજો ગ્રહો પર રામ, પરશુરામ, કૃષ્ણ તરીકે અવતારો લઈ તેઓ વિશ્વને સંતુલિત રાખવાની પ્રક્રિયા ચાલુ રાખે છે.
ક્ષિરોદકશાયી વિષ્ણુ અત્યંત મૃદુ હ્રદયી અને જીવંત ચેતનાનાં સ્વામી છે. તેઓ પૃથ્વીનાં કણ-કણમાં નિવાસ કરીને માનવજાતને હંમેશા સત્કર્મો કરવા માટેની પ્રેરણા આપતાં રહે છે. મહાવિષ્ણુ અને ગર્ભોદકશાયી વિષ્ણુએ સોંપેલા તમામ કાર્યોને નિષ્ઠાપૂર્વક પૂરા કરીને બ્રહ્માંડને તેનાં પૂર્ણત્વ તરફ લઈ જવું એ તેમનું કર્મ છે, જે યુગ-યુગાંતર સુધી ચાલ્યા રાખે છે.
ફક્ત 40-50 વર્ષ સુધી કામ કર્યા બાદ પણ આપણે થાકી જઈએ છીએ. કોઇ દિવસ વિચાર કર્યો છે કે અબજો વર્ષો સુધી ફરી-ફરીને પુન:નિર્માણની પ્રક્રિયાનું સંચાલન કરનાર એ પરમ-તત્વની શું હાલત થતી હશે!? એક જીવચક્ર પૂર્ણત્વ તરફ પહોંચે ત્યાં સુધીમાં બીજા જીવચક્રોને સૃષ્ટિમાં લાવવાની તૈયારી શરૂ થઈ જતી હોય છે. સર્જન અને વિનાશનાં ચક્રમાં શુન્યમાંથી શુન્ય બાદ કરો તો શેષ પણ શુન્ય જ બચે! એ જ રીતે પૂર્ણમાંથી પૂર્ણને બાદ કરો તો આખરે મહાન પૂર્ણત્વની પ્રાપ્તિ થઈ શકે. આપણે સૌ એ પૂર્ણ-તત્વનાં અંશમાત્ર જ છીએ ને!