ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર – ગુજરાતમાં વેદોક્ત નવરાત્રીની નવી એક રસમ સાથે એક તરફ દીકરીઓ રાસ રમી ગરબે ઘૂમતી હોય બીજી તરફ યજ્ઞકુંડમાં સ્વાહા… સ્વાહાની આહુતિઓ અપાતી હોય તે પ્રકારનું નવરાત્રી રાસોત્સવનું વિશિષ્ટ આયોજન સૌરાષ્ટ્ર – કચ્છ સમરત બ્રહ્મસમાજ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યુ છે. તા.ર6 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી જૂનાગઢના ચોબારી ફાટક પાસે આવેલ બાલાજી ફાર્મ ખાતે યોજાનાર બ્રહ્મ રાસોત્સવ – ર0રર તથા શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક યજ્ઞ અંતર્ગત વૈદિક ઋષિ પરંપરા સાથે દીકરીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ગરબે ઘુમશે,સાથે-સાથે સાંજનાં છ વાગ્યાથી મધ્યરાત્રી સુધી વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે હોમાત્મક સહસ્ર ચંડી યજ્ઞ પણ યોજાશે. જેમાં વિદ્વાન આચાર્યની આગેવાની હેઠળ 35 જેટલા ભૂદેવો હોમાત્મક વિધિમાં ભાગ લેશે. આ અંગે સૌરાષ્ટ્ર – કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન જિલ્લા પ્રમુખ કે.ડી.પંડ્યા, વરિષ્ઠ આગેવાન પુનિત શર્મા, જૂનાગઢ મહાનગર પ્રમુખ પ્રફુલભાઈ જોષી તેમજ સૌરાષ્ટ્ર – બ્રહ્મ સમાજના વરિષ્ઠ આગેવાન છેલભાઈ જોષીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે,ભૂદેવોની ઋષિ પરંપરા તેમજ વૈદિક કાળની જીવંતતા સાથે યોજાનાર દીકરીઓના આ રાસોત્સવમાં વરિષ્ઠ કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા સહિતના બ્રહ્મ ૠષિઓ યજ્ઞના દર્શનાર્થે ઉપસ્થિત રહેશે. આ કાર્ય માટે કથાકાર શાસ્ત્રી નરેન્દ્રભાઈ જોષી, રાસોત્સવ પ્રોજેક્ટના અધિકારીઓ શૈલેષભાઈ રવિયા અને રૂપલબેન લખલાણી આ સમગ્ર વ્યવસ્થા સંભાળશે. આ રાસોત્સવમાં યજ્ઞ કાર્ય બાદ યજ્ઞવેદી નવરાત્રીના દિવસો દરમિયાન રોજ સવારે ધર્મપ્રેમી જનતાના દર્શનાર્થે ખુલ્લી મુકાશે.