જેલના કેદીઓ અને પોલીસ અધિકારીઓને રાખડી બાંધીને સ્નેહનો સંબંધ જોડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
જિલ્લા નારી સુરક્ષા સમિતિ અને સાહેલી ગ્રુપ દ્વારા આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમિતિની બહેનોએ સૌપ્રથમ રાજકોટની મધ્યસ્થ જેલમાં જઈને કેદીઓને રાખડી બાંધી, અને ત્યારબાદ શહેરના પોલીસ અધિકારીઓને પણ રક્ષાસૂત્ર બાંધીને આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
પોલીસ મહાનિર્દેશક કચેરીના આદેશ મુજબ, જેલમાં કાર્યક્રમ યોજવાની મંજૂરી મેળવવામાં આવી હતી. આ માટે પોલીસ દ્વારા સમિતિની મહિલાઓનું પૂર્વ ઇતિહાસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
જેલનો કાર્યક્રમ પૂરો થયા બાદ સમિતિની બહેનોએ પોલીસ કચેરીએ જઈને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ડેપ્યુટી પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, અને અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરોને રાખડી બાંધી હતી.
જેલના ઇન્ચાર્જ નાયબ અધિક્ષક એ.આર. કુરેશી અને જેલ સ્ટાફ તેમજ પોલીસ અધિકારીઓના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. સમિતિની હેમાબેન કક્કડ, આરતીબા જાડેજા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા સહિત 10 મહિલાઓએ આ અનોખી ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પહેલથી સમાજ અને તંત્ર વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.