શિક્ષક દ્વારા છેલ્લા સાત વર્ષમાં એક પણ રજા નહીં!
ખાસ-ખબર સંવાદદાતા
કર્મચારી અને સંસ્થા વચ્ચે હંમેશા રજાને લઇને ખેંચતાણ ચાલે છે. પરંતુ કેટલાક કર્મચારીઓ એટલા શિસ્તપ્રિય અને મહેનતુ હોય છે કે સંસ્થાને પણ તેમના પર ગર્વ થાય છે. રાજકોટ ખાતે આવેલી સેન્ટ મેરી સ્કુલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેશ બી. વાલાએ છેલ્લા સાત વર્ષથી એક પણ દિવસની રજા લીધી નથી. તેમણે એકેડેમિક યર 2021-22 દરમ્યાન પણ એક દિવસની રજા લીધી નથી. તેમની આ છેલ્લા સાત વર્ષની શિસ્તના કારણે તેમને પોતાની ડયુટીને નિષ્ઠાપૂર્વક નિભાવવામાં સફળતા મળી છે. તેઓ સ્કુલની ડયુટી સાથે પોતાની સામાજીક જવાબદારી બખૂબી નિભાવે છે. પોતાના શૈક્ષણિક જ્ઞાનનો અનુભવ બધાને મળે તે હેતુસર, તેઓ પોતાના વધારાના સમયમાં ગરીબ મજૂરના બાળકોને ભણાવે છે. સેન્ટ મેરી સ્કુલના પ્રિન્સિપાલએ લેટર ઓફ એપ્રિસિએશન દ્વારા તેમની આ સિદ્ધિને બિરદાવી છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે.