આ મુદાથી ભાજપને મોટુ નુકશાન થશે: પરાકલા પ્રભાકરન
ઈલેકટોરલ બોન્ડસ એ માત્ર ભારતનું જ નહિં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી મોટુ કૌભાંડ છે.જેને કારણે ભાજપને ભારે નુકશાન થશે…આ શબ્દો કોંગ્રેસ કે વિરોધ પક્ષનાં કોઈ પ્રવકતાના નથી. પરંતુ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરના છે. સુપ્રિમ કોર્ટ દ્વારા ઈલેકટોરોલ બોન્ડસ પર પ્રતિબંધ મુકાયા પછી પણ દેશનાં રાજકારણમાં આ મુદો સતત સળગતો રહ્યો છે.
- Advertisement -
એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પ્રભાકરે જણાવ્યું હતું કે આગામી સમયમાં ઈલેકટોરલ બોન્ડસનો મુદો વધુ વેગ પકડશે આ મુદાને કારણે મતદારો સરકારને મોટી સજા કરશે. પ્રભાકર 2014 થી 2018 દરમ્યાન આંધ્રપ્રદેશ સરકારમાં સેવા આપી ચુકયા છે.
સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા એસબીઆઈએ જારી કરેલી ઈલેકટોરલ બોન્ડસની વિગતોમાં ભાજપ સૌથી વધુ ભંડોળ મેળવનારો પક્ષ હોવાનું બહાર આવ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ઈલેકટોરલ બોન્ડસના માધ્યમથી ભાજપને રૂા.6,986.5 કરોડનું ભંડોળ મળ્યુ હતું. જયારે પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસને ઈલેકટોરલ બોન્ડસના માધ્યમથી 1,334 કરોડનું જયારે તેલંગાણાનાં પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિને રૂા.1,322 કરોડનું ભંડોળ મળ્યુ હતું.