લાખો-કરોડો રોજગારી સર્જવાના વચન વચ્ચે વાસ્તવિકતા જુદી
યુવા વર્ગમાં બેકારી દર 10.2 ટકાએ પહોંચ્યો:ગ્રામ્ય સ્તરે વધુ અસર
- Advertisement -
દેશમાં બેરોજગારી મામલે સરકાર અને વિપક્ષોનાં દાવા-પ્રતિદાવા વચ્ચે 15 થી 29 વર્ષનાં યુવા વર્ગમાં બેરોજગારી દર વધ્યો હોવાનું બહાર આવ્યું છે. આ યુવા વર્ગનો બેકારીદર 2023-24 માં વધીને 10.2 ટકા થયો છે. જે ગત વર્ષે 10 ટકા હતો સ્ત્રી વર્ગની બેકારી 10.6 ટકાથી વધીને 11 ટકા જયારે પુરૂષ વર્ગની 9.7 ટકાથી વધીને 9.8 ટકા થઈ છે.
પીરીયોડીક લેબર ફોર્સનાં રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે 2022-23 માં કુલ બેકારી દર 57.9 ટકા હતો તે વધીને 60.1 ટકા થયો છે. ભારતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં બેરોજગારી મોટો મુદ્દો બન્યો છે. કોરોનાકાળ દરમ્યાન તેમાં અસામાન્ય વધારો થયો હતો અને સરકારે તાબડતોબ પગલા લેવા પડયા હતા. ચાલુ નાણાંકીય વર્ષનાં બજેટમાં સરકારે રોજગારી સર્જન માટે શ્રેણીબદ્ધ દરખાસ્તો કરી હતી. તેમાં ઈન્ટરશીપ સહાયનો પણ સમાવેશ થાય છે. રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 15 વર્ષે કે તેથી વધુની વયની શ્રેણીમાં પુરૂષોને બેકારી દર 2023-24 માં 2.2 ટકા થયો હતો જે ગત વર્ષમાં 3.3 ટકા હતો. 2017-18 માં તે 6.1 ટકા હતા તેની સરખામણીએ ઘણો નીચો આવ્યો છે.
ગ્રામ્ય ક્ષેત્રમાં બેરોજગારી દર 2022-23 માં 1.8 ટકા હતો જે 2023-24 માં વધીને 2.0 ટકા થયો છે.પુરૂષ બેકારીદર 2.7 ટકાએ સ્થિર હતો. ગ્રામ્ય ક્ષેત્રનો કુલ દર 2.4 ટકાથી વધીને 2.5 ટકા થયો છે. 2017-18 માં આ દર 5.3 ટકા હતો તેની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો હતો. શહેરી વિસ્તારોમાં 7.7 ટકાથી ઘટીને 5.1 ટકા થયો છે. 15 વર્ષ કે તેથી વધુની વયનો વર્કસ પોપ્યુલેશન રેશીયો 56 ટકાથી વધીને 58.2 ટકા થયો છે.પુરૂષ શ્રેણીમાં 76 ટકાથી વધીને 76.3 ટકા તથા સ્ત્રી શ્રેણીમાં 35.9 ટકાથી વધીને 40.3 ટકા થયો છે.