લાખોના ખર્ચે બનેલા સર્વિસ રોડ પર બેદરકારી માટે જવાબદાર કોણ? તંત્રની ટેકનિકલ ભૂલ ખુલ્લી પડી
તંત્રનું નહીં પણ ભૂગર્ભ કૂંડીઓનું લેવલ વધ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના માધાપર ચોકડી વિસ્તારને રાજકોટનું એન્ટ્રી ગેટ ગણવામાં આવે છે. અહીંથી જામનગર, મોરબી અને અમદાવાદ તરફ જવા માટે રોજના હજારો વાહનો પસાર થાય છે. ટ્રાફિક સમસ્યા નિવારણ માટે રાજ્ય સરકારે આ સ્થળે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટ શહેરથી જામનગર રોડ તરફ ઓવરબ્રિજ, જ્યારે 150 ફૂટ રિંગ રોડથી મોરબી-અમદાવાદ હાઇવે તરફ અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણોસર માત્ર રાજકોટ શહેરથી જામનગર રોડ તરફ ઓવરબ્રિજનું જ નિર્માણ કરવામાં આવ્યુ હતું અને કામગીરી પૂર્ણ થતા 25 સપ્ટેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રિજના ચાર સર્વિસ રોડ પૈકી ત્રણ તૈયાર થયા હતા, જ્યારે જમીન સંપાદનના વિવાદને કારણે ચોથો સર્વિસ રોડ બન્યો ન હતો. તેવી સ્થિતિમાં લોકાપર્ણ બાદ લાંબા સમય સુધી સિવિલ હોસ્પિટલથી માધાપર ચોક બ્રિજ હેઠળથી જવા માંગતા દૈનિક અંદાજે 10,000થી વધુ વાહનચાલકોને સર્વિસ રોડ પર રોંગ સાઈડમાંથી પસાર થવું પડ્યુ હતુ. તેમાં પણ અનેક વખત અકસ્માતની ઘટનાઓ બની હતી.
નિયમ મુજબ પ્રક્રિયા કર્યા બાદ કપાત મિલકત ધારકોને વળતર ચૂકવી જમીન મેળવાઈ જતા તંત્રએ છેલ્લા સર્વિસ રોડનું કામ શરૂ કરાવ્યું હતું. આ માટે અંદાજે રૂ. 24 લાખનો ખર્ચ કરાયો હતો. પરંતુ તંત્રની ઉતાવળ અને બેદરકારીના કારણે સર્વિસ રોડ તો તૈયાર થયો, પણ ભૂગર્ભ ગટરની કૂંડીઓ રોડની સપાટીના સમાન રાખવાની મહત્વપૂર્ણ બાબત જ જાણે ભૂલાઈ ગઈ હોય તેમ આ કૂંડીઓ રોડ લેવલ કરતાં ઊંચી રાખવામાં આવી છે. જેના કારણે પસાર થતા વાહનચાલકો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીંથી પસાર થનાર લોકો માટે આ કૂંડીઓ અકસ્માતને આમંત્રણ આપે તેવી સ્થિતિ બની છે. લોકોમાં આ અંગે ભારે રોષ ફેલાયો છે. અનેક વાહનચાલકો કહે છે કે રોડ બનાવવા કરતાં પહેલાં જ લેવલ ચેક થવો જોઈએ. હવે રસ્તા પર ઊંચી કૂંડીઓ પડતાં વાહનો ટકરાઇ છે અને વાહનચાલકો પોતાનું સંતુલન ગુમાવી બેસે છે જેના કારણે અનેક કિસ્સામાં નાના મોટી ઇજાઓ પણ થાય છે. જો તંત્ર તાત્કાલિક સુધારણા નહીં કરે તો જીવલેણ અકસ્માત થવાની સંભાવના નકારી શકાય નહીં. શહેરજનોની માગ છે કે તંત્ર તાત્કાલીક ધોરણે આ સર્વિસ રોડનું રિસર્વે કરી કૂંડીઓનું લેવલ સુધારે, નહીં તો માધાપર ચોકડીના સર્વિસ રોડ પર બનેલો આ વિકાસનો ખાડો વધુ ખતરનાક સાબિત થશે.
- Advertisement -
ઉતાવળના વિકાસે અકસ્માતનો ખતરો વધાર્યો, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ



