TRP ગેમ ઝોન અગ્નિકાંડ અસર: રાજકોટ લોકમેળો, તરણેતર મેળામાં લોકોની સુરક્ષા માટે PGVCLનો માસ્ટર પ્લાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં આવેલા 97 યાત્રાધામ અને ધાર્મિક સ્થળોમાં રૂ. 20 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે PGVCL દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી TRP ગેમઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની PGVCL દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યા મેળાનું આયોજન થાય છે એવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.PGVCL ના ટેક્નિકલ વિભાગના મુખ્ય ઈજનેર આર. સી. પટેલે જણાવ્યું હતુ કે, આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય એવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે PGVCL દ્વારા તમામ સર્કલ ઓફિસરો પાસેથી ધાર્મિક સ્થળો અને યાત્રાધામોની યાદી મંગાવવામાં આવી હતી. કુલ 105 દરખાસ્તમાંથી 97 દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ જેવા કે, નાગેશ્વર, ઘેલા સોમનાથ, વિરપુર, સાળંગપુર, રણુજા, જૂનું દ્વારકાધીશ મંદિર, પરબ, બગદાણા, કેટેશ્વર, માતાના મઢ સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા તબકકામાં અન્ય સ્થળમાં કેબલ નાખવામાં આવશે.આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત ભાતીગળ તરણેતરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે આ સાથે જ રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં પણ વહીવટી તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારથી જ 23 જેટલા વીજ ટ્રાન્સફોર્મર મેદાનમાં લગાવી દેવામાં આવ્યા છે. મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકો જ્યા સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં. આ પ્રકારના નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલ કરવામાં આવશે.
48 કિલોમીટરનો કેબલ બિછાવવામાં આવશે
અંડરગ્રાઉન્ડ કેબલની અમલવારી સૌપ્રથમ દ્વારકા જગત મંદિરથી કરવામાં આવી છે. દ્વારકામાં રૂપિયા 30 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટની શરૂઆત 2018-19થી શરૂ કરવામાં આવી હતી. પિલગ્રીમેજ સ્કીમ હેઠળ 30 કિલોમીટર કેબલ બિછાવવામાં આવ્યો છે. જેનો ખર્ચ રૂ. 12.73 કરોડ થાય છે. જેમાં કઝ લાઈન પણ અંડર ગ્રાઉન્ડ કરવામાં આવી છે. ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમમાં 48 કિલોમીટરનો કેબલ બિછાવવામાં આવશે. જેનો ખર્ચ રૂ. 17.94 કરોડ છે. જેમાં 94 નંગ રીંગ મેઇન યુનિટનો ઉપયોગ કરવામા આવ્યો છે.