છ સ્માર્ટ સીટીમાં 8000 કરોડથી વધુના 281 વિકાસ કાર્યો પૂર્ણ: આજથી ગાંધીનગરમાં યુ-20 સમિટ પૂર્વે શહેરી આયોજનનો નવો ચિતાર
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20 દેશોની એક વર્ષની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. આ એક વર્ષની અધ્યક્ષતા દરમિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સમગ્ર ભારતમાં મીટિંગોનું આયોજન થઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે, શહેરીકરણ અને શહેરી સુવિધાઓને વિકસિત કરવી. આ માટે જી20ના સભ્ય દેશોના શહેરોના એક સંગઠન અર્બન ટ્વેન્ટી એટલે કે યુ20 ની રચના કરવામાં આવી છે.
- Advertisement -
આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં છઠ્ઠી યુ20 સમિટ યોજાઈ રહી છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે છઠ્ઠી યુ20ની યજમાની કરવાની તક વિશ્ર્વના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદને મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે 7 થી 8 જૂલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહી છે, જેમાં વિવિધ દેશોના મેયર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઞ20 મેયોરલ સમિટમાં મુખ્યત્વે શહેરી સુશાસન માટેના માળખાની પુન:શોધ અને ડિજિટલ શહેરી ભવિષ્યને ઉત્પ્રેરિત કરવા, પર્યાવરણની જાળવણી માટે જવાબદારીપૂર્વકની વર્તણૂંકોને પ્રોત્સાહિત કરવી અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી, ક્લાઇમેટ ફાઇનાન્સને વેગ આપવો, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થામાં ચેમ્પિયન થવું, વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.