ફોન-પેના ખોટા ‘સક્સેસ’ મેસેજ બતાવી છેતરપિંડી કરતો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
જૂનાગઢ શહેરમાં એટીએમ ટ્રાન્ઝેક્શનના બહાને બે નિર્દોષ નાગરિકો પાસેથી કુલ રૂ. 19,000ની ઠગાઈ કરનાર સુરતના એક યુવકને સ્પેશિયલ ટીમે ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, શહેરના દૂધની એજન્સી ધરાવતા સરમણભાઈ બીજલભાઈ સિંધવ ગત તા. 16 નવેમ્બરના રોજ બહાઉદીન કોલેજ નજીક આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ જમા કરાવવા ગયા હતા. તે સમયે એટીએમ મશીન બંધ હોવાથી, ત્યાં હાજર રૂદ્ર પટેલ નામના શખ્સે સરમણભાઈને વિશ્વાસમાં લઈ કહ્યું કે, તમે મને રોકડા રૂપિયા આપો, હું મારા ખાતામાંથી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી આપું. આમ કહીને શખ્સે સરમણભાઈ પાસેથી રૂ. 12,000 લીધા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં રહેલી ફોન પે એપ્લિકેશન દ્વારા રૂપિયા ઓનલાઈન સક્સેસફુલ ટ્રાન્જેક્શન થયાનો ખોટો મેસેજ બતાવી રફુચક્કર થઈ ગયો હતો. આ જ પ્રમાણે શખ્સે જૂનાગઢના રોહિત એભાભાઈ વાળા પાસેથી પણ ખોટો મેસેજ બતાવી રૂ. 7,000ની ઠગાઈ કરી હતી. સરમણભાઈએ કુલ રૂ. 19,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે, સી. ડિવિઝન પીઆઇ એ. બી. ગોહિલની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, સુરતમાં વરાછા રોડ, સરથાણા જકાતનાકા પાસે રહેતા 20 વર્ષીય આરોપી રૂદ્ર અશોકભાઈ સાવજ (હીરાઘસુ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી રૂદ્ર સાવજ પાસેથી ઠગાઈમાં વપરાયેલ મોબાઇલ ફોન તથા બે એટીએમ કાર્ડ કબજે લીધા છે. પોલીસે આરોપીને પોલીસ મથકે લાવીને તે કઈ રીતે છેતરપિંડી કરતો હતો, તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
રાજ્યના 4 શહેરમાં 12 ગુનાની કબુલાત
આરોપી રૂદ્ર સાવજે પોલીસ પૂછપરછમાં સુરતમાં સ્ટેશન રોડ, સરથાણા જકાતનાકા, અમદાવાદમાં વસ્ત્રાલ ચોકડી, નિકોલ પંચમમોલ પાસે, રાજકોટમાં માધાપર ચોકડી પાસે, કેકેવી સર્કલ નજીક, સિવિલ હોસ્પિટલ પાસે, પટેલ વાડી સામેથી, ગોંડલ ચોકડી નજીક, જૂનાગઢમાં કાળવા ચોક પાસે એસબીઆઈ બેંકના એટીએમ પાસેથી, સર્કલ ચોક પાસે બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમ પાસેથી તેમજ બહાઉદ્દીન કોલેજ સામે બેંક ઓફ બરોડાના એટીએમ પાસેથી ખોટો મેસેજ બતાવ્યો ઠગાઈ કરી હતી. 4 શહેરમાં 12 ગુના આચરી રૂપિયા 70,500ની છેતરપિંડી આચરી હોવાની કબુલાત કરી હતી.



