તંત્રની મિલીભગતથી ગેરકાયદે ખનન ચાલતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ: વારંવારની રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા ખેડૂતોને ખેતરે પહોંચવા 5 કિમીનો ચક્કર લગાવવો પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે છેલ્લા લાંબા સમયથી નદી વિસ્તારમાં ચાલી રહેલી બેફામ રેતી ચોરીના કારણે સ્થાનિકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે. માથાભારે ખનિજ માફિયાઓ તંત્રના ડર વગર નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરી રહ્યા છે. આ ગંભીર બાબતે ગ્રામજનો દ્વારા સ્થાનિકથી લઈને જિલ્લા કક્ષા સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
ખેડૂતોનો મુખ્ય રસ્તો તોડી પડાયો ખનિજ માફિયાઓની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે, નદી વિસ્તારમાંથી રેતી કાઢવા માટે તેમણે ખેડૂતોનો અવરજવર માટેનો મુખ્ય રસ્તો પણ તોડી પાડ્યો છે. આ રસ્તો તૂટી જવાને કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. જે રસ્તો ટૂંકા અંતરે હતો, તેના બદલે હવે ખેડૂતોને ચારથી પાંચ કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવીને ખેતરે જવું પડે છે. માફિયાઓના ડર અને તંત્રની ઉદાસીનતાને કારણે ખેડૂતો લાચાર બન્યા છે.
તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં આક્રોશ સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો પહોંચાડવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ખનિજ માફિયાઓ રાજકીય ઓથ ધરાવે છે અથવા અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે, જેના કારણે માત્ર કાગળ પરની કાર્યવાહી સિવાય જમીન સ્તરે કંઈ થતું નથી. રજૂઆતો છતાં ખનન ચાલુ રહેતા હવે ગ્રામજનોએ આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહે છે કે આ રજૂઆતો બાદ ખાણ-ખનિજ વિભાગ ક્યારે જાગે છે અને આ માફિયાઓ પર ક્યારે અંકુશ લાવે છે.



