ઓપન કટીંગ ખાણો ધમધમી, અધિકારીઓ મૂકપ્રેક્ષક બની રહ્યા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદેસર ખનનને અટકાવવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. ખાસ કરીને થાનગઢ તાલુકાના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં વર્ષોથી બેફામ રીતે ઓપન કટીંગ કોલસાનું ખનન ચાલી રહ્યું છે, છતાં આજદિન સુધી સંબંધિત એક પણ જવાબદાર અધિકારી દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જિલ્લામાં કેટલાક અધિકારીઓ માત્ર નક્કી કરેલ સ્થળો પર નાના ખનિજ માફીયાઓ સામે દરોડા પાડી પોતાની ફરજ પૂર્ણ કર્યાનો દેખાડો કરે છે, જ્યારે વાસ્તવમાં મોટા અને વગદાર ખનિજ માફીયાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર અસમર્થ કે અનિચ્છુક હોવાનું ચિત્ર સામે આવ્યું છે. સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ધોળા દિવસે ખુલ્લેઆમ કોલસાની ચોરી થતી હોવા છતાં કોઈ નિયમો લાગુ પડતા ન હોય તેમ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખનિજની દુનિયામાં ‘મગરમચ્છ’ ગણાતા ખનિજ માફીયાઓ બેરોકટોક રીતે ખનન કરી રહ્યા છે. વધુમાં, થાનગઢના રાજકારણમાં પ્રભાવ ધરાવતા કેટલાક સમાજના આગેવાનો જ આ કોલસાની ખાણો ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આવા વગદાર તત્વો સામે કાર્યવાહી કરવા તંત્રના અધિકારીઓ સ્વપ્ને પણ વિચારતા નથી, જ્યારે નાના ખનિજ માફીયાઓને નિશાન બનાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે તંત્રની ભૂમિકા શંકાસ્પદ બનતી જઈ રહી છે અને સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસા ખનન સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો પર્યાવરણને ભારે નુકસાન સાથે સરકારની આવકને પણ મોટો ફટકો પડી શકે છે.



