ગ્રાહકે નવા મોબાઈલનાં પૈસા ચૂકવ્યાં પણ જૂનો મોબાઈલ ધાબડી દીધો!
ઉમિયામાંથી મોબાઈલ લઈને ઘેર જઈને ખોલ્યો તો અંદર જૂનાં મેસેજ, સેટ અલાર્મ નીકળ્યાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઓનલાઈન બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ખરીદો અને ઘરે આવેલા પાર્સલમાંથી વપરાયેલો જૂનો મોબાઈલ નીકળે એ નવું નથી. નવું છે, મોબાઈલ શોપમાંથી બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ખરીદો અને ઘર આવી ખબર પડે કે, પૂરા પૈસા ચૂકવી નવો ખરીદેલો મોબાઈલ એકાદ વર્ષ જૂનો અને વપરાયેલો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટના સરદારનગર મેઈનરોડ પર આવેલા ઉમિયા મોબાઈલમાં એક ગ્રાહક સાથે બન્યો છે. ગત તા. 26 જાન્યુઆરીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિએ ઉમિયા મોબાઈલમાંથી પચ્ચીસ હજાર રૂપિયા ચૂકવી નવો વિવો વી-23 મોબાઈલ ખરીદ્યો હતો અને જ્યારે તેઓ ઘર જઈ મોબાઈલ જોયો તો તેમાં જૂના મેસેજ સહિત આલાર્મ સેટ હતા.
બીજા દિવસે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉમિયા મોબાઈલમાંથી ખરીદેલો વીવો વી-23 મોબાઈલ લઈ વિવો સર્વિસ સેન્ટર પહોંચ્યા હતા ત્યાં પણ તેમને જણાવવા આવ્યું હતું કે, આ તો જૂનો મોબાઈલ છે જેની વોરંટી પૂરી થઈ ગઈ છે. ઉમિયા મોબાઈલ નવા મોબાઈલના બદલામાં જૂનો મોબાઈલ ધાબડી દે છે એ કેટલીક તપાસ કરતા સ્પષ્ટ બહાર આવ્યું હતું. તેથી ઉમિયા મોબાઈલમાંથી વિવો વી-23 મોબાઈલ ખરીદનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમિયા મોબાઈલના માલિક બંટી પટેલ, કિશોર પટેલ અને સેલ્સ મેનેજર રાકેશ મકવાણા વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને છેતરપીંડીની ફરિયાદ નોંધી ન્યાય અપાવવાની માંગણી કરી છે.
ગ્રાહકે IMEI નંબર, વૉરન્ટી સહિત બધું ચેક કર્યું, મોબાઈલ જૂનો હોવાનું સાબિત થયું: ગ્રાહકે પોલીસ કમિશનરને અરજી કરી
- Advertisement -
ઉમિયા મોબાઈલે જાણીજોઈને ગ્રાહકને Vivo V-23 મોબાઈલ ખરીદાવ્યો
રાજકોટના સરદારનગર મેઈનરોડ પર આવેલી ઉમિયા મોબાઈલમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા નવો મોબાઈલ ખરીદવા ગયા હતા ત્યારે ઉમિયા મોબાઈલના સેલ્સ મેનેજર રાકેશ મકવાણાએ ભારપૂર્વક વિવો વી-23 જ ખરીદવા જણાવ્યું હતું. જાણે પહેલેથી જ રાકેશ મકવાણાએ જૂનો મોબાઈલ નવો દર્શાવી ધર્મેન્દ્રસિંહ જાડેજાને પધરાવવાનું નક્કી કરી લીધું હતું તેમ તેમણે વિવો વી-23ના ખૂબ વખાણ કર્યા હતા અને પરાણે ધર્મેન્દ્રસિંહ જાડેજાને વિવો વી-23 મોબાઈલ ફોન ખરીદાવ્યો હતો.
નવા મોબાઈલના બદલામાં જૂનો મોબાઈલ ધાબડી દીધો પછી પણ ઉમિયા મોબાઈલે નમતું ન મૂક્યું
ઉમિયા મોબાઈલના માલિકો બંટી પટેલ, કિશોર પટેલ અને સેલ્સ મેનેજર રાકેશ મકવાણાએ ધર્મેન્દ્રસિંહ જાડેજાને નવા વિવો વી-23 મોબાઈલની જગ્યાએ જૂનો વી-23 મોબાઈલ ધાબડી દીધા બાદ પણ નમતું મૂક્યું નહતું. જ્યારે ધર્મેન્દ્રસિંહને નવો ખરીદેલો મોબાઈલ વપરાયેલો છે તેવી ખબર પડી એટલે તેમણે વિવો સર્વિસ સેન્ટરથી લઈ મોબાઈલના IMEI નંબરની તપાસ કરી બધા જ પુરાવાઓ એકઠા કર્યા હતા અને તેઓ પુરાવા સાથે ઉમિયા મોબાઈલ પહોંચ્યા હતા જ્યાં ઉમિયા મોબાઈલના માલિકો તેમજ સંચાલકોએ સમગ્ર મામલે હાથ ઊંચા કરી લીધા હતા. તેથી અંતે ધર્મેન્દ્રસિંહએ ઉમિયા મોબાઈલના માલિક અને સેલ્સ મેનેજર વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનર તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું.