ખાસ-ખબર ન્યૂઝ સુરત
ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તો અંડરપાસમાં પણ પાણી ભરાતાં વાહનો ફસાયાં હતાં. તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યમાં સવારે 6થી 10 દરમિયાન 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ઉમરપાડામાં આજે સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે વેલાવીથી ડેડીયાપાડાને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.
છોટા ઉદેપુર જિલ્લાના સરહદી એવા રજુવાંટ ખાતે ગઈકાલે સાંજે ઓરસંગ નદીના કોઝવે ઉપરથી પસાર થતા ઓરસંગ નદીના ધસમસતા પ્રવાહમાં બાઈક સાથે એક ચાલક તણાઈ ગયો હતો જેને સ્થાનિક લોકોએ પાણીમાં કૂદી જઈને બચાવી લીધો હતો.
ઉમરપાડામાં બે કલાકમાં જ સાડા છ ઈંચ વરસાદ ખાબકતા વહાર ગામ પાસેથી પસાર થતી નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ડૂબી જતા વાહનવ્યવહાર બંધ થયો હતો.
- Advertisement -
સુરત જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બારડોલીમાં ધોધમાર વરસાદ વરસતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. જેમાં એક કારચાલક ફસાતા ફાયરબ્રિગેડની ટીમે પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢી હતી.
અંબાજીમાં મેળાની તૈયારી વચ્ચે વરસાદની એન્ટ્રી
યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ હતી.આજે દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેના લીધે વાહન ચાલકોને મુશ્ર્કેલીનો વેઠવી પડી હતી.