રાજ્યભરમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર: અલ્ટ્રાવાયોલેટ કિરણોની ઊંચી તીવ્રતા ચામડીના કેન્સર પાછળ જવાબદાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આગ વરસાવતી ગરમી પડી રહી છે. હજુ આવનારા દિવસોમાં તાપમાન 45ને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ આવનારા દિવસોમાં કેવી ગરમી પડશે તેવો વિચાર પણ પરસેવો છૂટાવી દેનારો છે. હીટ વેવને પગલે સનબર્નના કેસ અને મૃત્યુના પ્રમાણમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સનબર્ન અને ગરમીને લીધે થતાં મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સૂર્યમાંથી આવતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચૂકી છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણની તિવ્રતા માપવા માટે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થાય છે. હાલ રાજ્યભરમાં યુવી ઈન્ડેક્સ 10ની આસપાસ નોંધાય છે. અમદાવાદમાં રવિવારે યુવી ઈન્ડેક્સ 10 નોંધાયું હતું અને આગામી 24-25 મેના યુવી ઈન્ડેક્સ 12 થવાની પણ સંભાવના છે.
- Advertisement -
મોટાભાગના લોકો માટે ગરમી અને તડકાનો સંબંધ માત્ર તાપમાન પૂરતો જ મર્યાદિત હોય છે. પરંતુ યુવી ઈન્ડેક્સ તાપમાનના પારા કરતો પણ વધારે મહત્ત્વનો છે. લોકો અલ્ટ્રાવાયોલેટ કિરણોના રેડિએશનની ખરાબ અસરથી બચી શકે તેવા હેતુ સાથે યુવી ઈન્ડેક્ષની રચના કરવામાં આવી હતી. આ અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોનું એક નિશ્ચિત સ્તર હોય છે. જેના વધવાથી લાંબો સમય તડકામાં રહેતાં ડિહાઈડ્રેશન-સનબર્ન-સન સ્ટ્રોક તેમજ ચામડીને લગતા રોગ તેમજ કેટલાક કિસ્સામાં મોત પણ થાય છે. ઊંચા યુવી ઈન્ડેક્સવાળા સૂર્યના કિરણો લાંબા સમય ચામડી પર પડવાથી તે ભાગના કોષ અથવા પેશીઓ બળીને લાલ થઈ જાય છે. તે ભાગનો સ્પર્શ કરવાથી દુ:ખાવો પણ થાય છે, જેને સન બર્ન કહેવામાં આવે છે.
તજજ્ઞોના મતે ખાસ કરીને સવારના 11 થી બપોરના 4 સુધી યુવી કિરણોની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં યુવી ઈન્ડેક્સ 10 થયો છે. ડોક્ટરોનું માનવું છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની ઊંચી તીવ્રતા પણ ચામડીના કેન્સર પાછળ જવાબદાર પરિબળ છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખ માટે પણ એટલા જ હાનિકારક છે. જેના કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મેળવવા માટે બહાર નીકળતી વખતે સમગ્ર ચહેરો ઢાંકીને હાથમાં મોજા અને સનગ્લાસ પહેરવા જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વૈશ્વિક હવામાન વિભાગ દ્વારા યુવી ઈન્ડેક્સના સ્ટાન્ડર્ડ નક્કી કરાયા છે. યુવી ઈન્ડેક્સમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાને 1 થી 11 નંબરમાં વહેંચવામાં આવી છે. ઉપરાંત આ તીવ્રતા પ્રમાણે યુવી ઈન્ડેક્સને પાંચ ભાગમાં વિભજીત પણ કરવામાં આવી છે. 0થી 2.9 નીચું, 3 થી 5.9 મધ્યમ, 6 થી 7.9 ભયજનક, 8 થી 10.9 વધારે ભયજનક અને 11 થી વધુની તીવ્રતાને આત્યંતિક ગણવામાં આવી છે. ખાસ કરીને બપોરે ચારથી પાંચ કલાક યુવી ઈન્ડેક્સ વધારે ઉંચો રહે છે.
યુવી ઈન્ડેક્સ વધારે હોય તે શું તકેદારી રાખવી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ 1 કે 2 યુવી ઈન્ડેક્સ હોય તો તાપથી બચવાની જરૂર રહેતી નથી, પરંતુ આ આંક 7 વચ્ચે હોય તો શરીર પર પડતાં સીધા સૂર્ય પ્રકાશથી બચવું જોઈએ. ઉપરાંત સનસ્કીન લોશન, સનગ્લાસ, ટોપી, ચહેરો ઢંકાય તેવા માસ્ક, હેન્ડ ગ્લવ્સ ઉપયોગ કરવો જોઈએ. જો યુવી ઈન્ડેક્સ 8 કે તેથી વધે તો બને ત્યાં સુધી બપોરના સમયે બહાર ન નીકળવાનું જોઈએ અથવા તો વધારે સુરક્ષિત ઉપાયો કરવો જોઈએ. તેમાં પણ જે એ આંકડો 11 ને પાર હોય તો ચામડીન વધુ નુકસાન થવાનો ભય રહેલો છે.
- Advertisement -
આગામી પાંચ દિવસ ક્યાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે તેમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડનો સમાવેશ થાય છે.