વ્હાઇટ હાઉસમાં ફીયાસ્કા પછી બ્રિટનમાં ઝેલેન્સ્કીનું ઉમળકાભર્યું સ્વાગત
આખું બ્રિટન તમારી સાથે છે : પીએમ સ્ટાર્મરની યુક્રેનના પ્રમુખને હૈયાધારણ
- Advertisement -
રશિયા સામેના યુદ્ધમાં નાણાકીય સહાય માટે પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત માટે વ્હાઈટ હાઉસ પહોંચેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ અપમાનિત થઈને અમેરિકામાંથી નીકળવું પડયું હતું. જોકે, વ્હાઈટ હાઉસના ફિયાસ્કા બાદ લંડન પહોંચેલા ઝેલેન્સ્કીનું બ્રિટિશરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. યુકેના વડાપ્રધાન કિર સ્ટાર્મરે ઝેલેન્સ્કીને ગળે મળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને 2.26 અબજ પાઉન્ડનો લોન એગ્રીમેન્ટ કરાર પણ કર્યો હતો. વધુમાં સાટર્મરે કહ્યું કે, યુક્રેન, યુકે અને ફ્રાન્સ રશિયા સામે કાયમી શાંતિ માટે યોજના ઘડી કાઢશે, જે અમેરિકા સમક્ષ રજૂ કરાશે. આ સાથે સ્ટાર્મરે એમ પણ કહ્યું કે, શાંતિ માટે અમેરિકાનો સાથ જરૂરી છે.
યુકે, ફ્રાંસ, યુક્રેન સ્થાયી યુદ્ધ વિરામની યોજના બનાવી અમેરિકા સમક્ષ રજૂ કરશે, યુરોપીયન સૈન્ય યુક્રેન મોકલવા પણ વિચારણા
રશિયા સામે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા યુદ્ધમાં હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ મેળવવામાં નિષ્ફળ રહેતા અને અમેરિકાથી ખાલી હાથે રવાના થયેલા યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીનું બ્રિટનમાં હીરોની જેમ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુક્રેનમાં શાંતિ માટે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે લંડનમાં યોજેલી યુરોપીયન શીખર સંમેલનમાં ભાગ લેવા ઝેલેન્સ્કી પહોંચ્યા હતા.
- Advertisement -
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને આવકારતા પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે, મને આશા છે કે તમે રસ્તા પર લોકોને તમને આવકારતા જોયા હશે. બ્રિટનના લોકોનું આ સમર્થન દર્શાવે છે કે યુનાઈટેડ કિંગ્ડમ અને યુક્રેન સાથે ઊભા રહેવા માટે દૃઢ સંકલ્પિત છે. અમે છેક સુધી યુક્રેનની સાથે ઊભા રહીશું. આખું યુનાઈટેડ કિંગ્ડમ તમારી સાથે છે.
વડાપ્રધાન કીર સ્ટાર્મર 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર ઝેલેન્સ્કીને ગળે મળ્યા હતા. આ સાથે બ્રિટને યુક્રેનને 2.26 અબજ પાઉન્ડ (અંદાજે 2.84 અબજ ડોલર)ના લોન એગ્રીમેન્ટ પર કરાર પણ કર્યા હતા. આ સમજૂતી હેઠળ યુક્રેનને આગામી સપ્તાહે પહેલો હપ્તો મળવાની આશા છે, જેનાથી યુક્રેનને તેની સંરક્ષણ ક્ષમતા વધારવામાં મદદ મળશે. આ કરાર પર બ્રિટનના ચાન્સેલર રેચેલ રીવ્સ અને યુક્રેનના નાણાંમંત્રી સર્ગી માર્ચેન્કોએ હસ્તાક્ષર કર્યા હતા. આ લોનની ચૂકવણી પ્રતિબંધિત રશિયન સંપ્રભુ સંપત્તિઓમાંથી પેદા થનારા નફાથી કરાશે.
દરમિયાન વડાપ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે જણાવ્યું કે, બ્રિટન, ફ્રાન્સ અને યુક્રેન સ્થાયી યુદ્ધ વિરામ પર યોજના બનાવી અમેરિકા સમક્ષ રજૂ કરવા માટે તૈયાર થયા છે. આ યોજના ચાર દેશોના નેતાઓ સાથે વાતચીત પછી સામે આવી છે. અમારું માનવું છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે. જોકે, તેના માટે અમેરિકાની સુરક્ષાની ગેરેન્ટી આવશ્યક છે. વ્હાઈટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી આ યોજના તૈયાર થઈ છે.બીજીબાજુ વ્હાઇટ હાઉસમાં થયેલા ફિયાસ્કા પછી આખું યુરોપ યુક્રેનના સમર્થનમાં આગળ આવ્યું છે. યુક્રેનમાં રશિયાના યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરવા લંડનમાં યોજાયેલા બે દિવસના યુરોપીયન શીખર સંમેલનમાં પીએમ સ્ટાર્મરે વિશ્વના નેતાઓને જણાવ્યું હતું કે, યુરોપની સુરક્ષા માટે તેમણે પેઢીમાં એકવાર આવતી ક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે. યુક્રેનમાંથી આવનારા સારા પરિણામો યુરોપના પ્રત્યેક રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે.