કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
યુક્રેન, કિવિયન રશિયા, વરુઓનો દેશ જોર્જીયા અને ખજર/ગુજર લોકો
- Advertisement -
યુક્રેન અને ગુજરાત વચ્ચે એક બારીક તંતુ જેવું કનેક્શન છે
વડાપ્રધાન મોદીજી યુક્રેન પ્રવાસે છે. મોદીજી એક અચ્છા રાજનેતા સાથે કુશળ વક્તા છે જે કોઈપણ પ્રદેશના લોકોની નાડ પકડી લે છે.
યુક્રેન રશિયા સામે તો સાવ નાનકડો પ્રદેશ છે જે રશિયાનો ભાગ હતો. પણ આ નાનકડા ભાગે જગતના ઇતિહાસને બદલવામાં બહુ મોટો ભાગ ભજવેલો છે. જગતના ઇતિહાસને પલટી ખવડાવવામાં યુક્રેન મહત્વનો ભાગ ભજવતું રહ્યું છે.
આપણા વડાપ્રધાન યુક્રેનને તો વટભેર કહી શકે એમ છે કે યુક્રેન સાથે અમારો જૂનો નાતો છે.
ગુજરાતનું નામ ગુજરાત છે એનો દૂરનો સંબંધ યુક્રેન સાથે નીકળે છે. ભારતમાં ભરત નાટયમ નામનો નૃત્ય પ્રકાર, જે એકસમયે લુપ્ત થઈ ગયો હતો, એ આજે ફરી પુનજીર્વિત થયો છે એનું કારણ પણ આડકતરી રીતે યુક્રેન છે.
આપણો પાડોશી દેશ શ્રીલંકા ઓગણીસમી સદીમાં ફરી બૌદ્ધ ધર્મી દેશ બન્યો એની પાછળ પણ યુક્રેન પ્રદેશ કારણભૂત છે.
આખું રશિયા અને યુક્રેન મૂર્તિપૂજક હતા પણ આજે ખ્રિસ્તી ધર્મ પાળે છે એનું કારણ પણ યુક્રેન છે.
કોંગ્રેસની સ્થાપના અને ઇઝરાયેલના સર્જન પાછળ પણ યુક્રેનનો ઉદ્દીપક પ્રકારનો ફાળો છે.
- Advertisement -
ગુજરાત શબ્દ ગુર્જર ઉપરથી છે. ગુર્જર શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ કે અર્થ પ્રાપ્ત થતા નથી. રશિયાની પહેલી રાજધાની ખરેખર યુક્રેનની આજની રાજધાની કિવ હતી. આજના યુક્રેન આસપાસ ફેલાયેલા એ જૂના રશિયન રાજ્યમાં કાસ્પિયન સમુદ્ર થી લઈને કાળા સમુદ્ર વચ્ચે કોકેસસ પહાડોની તળેટીના પ્રદેશ (આજના જ્યોર્જિયા અને યુક્રેન વચ્ચે)ને વરુઓનો દેશ કહેવાતો. વરુનો દેશ કેમ કહેતા તે સ્પષ્ટ રીતે જાણવા મળતું નથી. વરુને સંસ્કૃતમાં વૃક કહેવાય છે. વૃક્ શબ્દ ફારસી અને તુર્કીશમાં ગુર્ગ બની ગયો. કેમકે ફારસી સંસ્કૃતની અપભ્રંશથી ઉતરી આવેલી ભાષા છે. ગૂર્ગા/ગુર્ગે શબ્દ આજે પણ હિન્દી ફિલ્મોમાં છૂટથી બોલાય છે. ફારસીમાં ગુર્ગા શબ્દનો અર્થ વરુ એવો થાય છે. હવે શબ્દની સાથે સમય ખેલીને શબ્દને કેવો ટ્રાન્સફોર્મ કરી નાખે છે તે રસપ્રદ છે. વૃક્ પરથી ગૂર્ગ અને ગુર્ગ પરથી બન્યું ગુરજ. સમય જતાં આ ગૂરજ શબ્દ ગુજર, ખજર, ખિજર, ખીજરા જેવા શબ્દોમાં પરિવર્તિત થયો. આથી વરુ પ્રદેશના લોકો કહેવાતા થયા ખજર. આ ખજર લોકો પશુપાલન કરતા જેથી ખાનાબદોશ જીવન જીવતા. ભારતમાં એમનું આગમન ક્યારે થયું એનો પાકો સમય ગાળો સ્પષ્ટ નથી પણ આ લોકો અહિયા આવીને ગુજ્જર કે ગુર્જર કહેવાયા. દેખાવમાં ઊંચા ખડતલ અને રૂપાળા હોવાથી ભારતના રાજપૂત અને જાટ લોકો સાથે તેઓ ભળ્યા.
અમુક પ્રદેશોમાં આ ગુજ્જર લોકો પાસે શાસનની ડોર પણ આવી. જે પ્રદેશોમાં એમની વસ્તી કે શાસન હતા એ પ્રદેશ ગુર્જરોના નામે ઓળખાવા લાગ્યા. જેથી ભારતમાં ગુજરાવાલા, ગુજરાત જેવા પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. યુરોપમાં ખજર લોકોના વિસ્તારમાં આવેલા દેશનું નામ જ્યોર્જિયા છે. ખજર કે ગુજર લોકોના વસવાટને કારણે ઈરાની અને તુર્કી લોકો આજના જ્યોર્જિયાને ગોર્જિયા કહેતા. ગોર્જિયા એટલે ગોર્ગ/ગોર્જ/ગુજર/ખજર લોકોનો દેશ. આજે ભલે આ દેશ ખ્રિસ્તી છે પણ એની લિપિ અને ભાષા સમગ્ર યુરોપથી સાવ ભિન્ન છે.
ખજર કે ગુજર લોકોનું પોતાનું અલાયદું સામ્રાજ્ય છેક નવમી સદી સુધી હતું જે આજના જ્યોર્જિયા થી લઈને યુક્રેનની સરહદ સુધી હતું. પણ નવમી સદીમાં આજના યુક્રેનમાં થઈ ગયેલા પ્રતાપી મૂર્તિપૂજક રાજા સ્વિયાતોસ્લાવે કરેલા આક્રમણને કારણે ખજર સામ્રાજ્ય પડી ભાંગ્યું. સ્વિયતોસ્લાવે જ્યારે ખજર સામ્રાજ્યનો નાશ કર્યો ત્યારે તે યહૂદી બની ચૂક્યું હતું.
સ્વિયાતોસલાવ રશિયાનો છેલ્લો નોન ક્રિશ્ચન એટલે કે બિન ખ્રિસ્તી રાજા હતો. જેણે પોતાની માતા ખ્રિસ્તી બની હોવા છતાં પોતાનો મૂર્તિ પૂજક ધર્મ છોડ્યો નહિ. આજીવન એણે પોતાના માથે શિખા (ચોટી) પણ રાખી. સ્વિયાતોસ્લાવે રશિયાની સીમા છેક આજના જ્યોર્જિયા (ગોર્જીયા) સુધી વિસ્તારી દીધું હતું.
ખજર સામ્રાજ્ય તૂટી પડ્યું એટલે ખજર (ગુજર) લોકો જે હવે યહૂદી બની ગયા હતા તે તુર્કી ઈરાન થી લઈને રશિયા પોલેન્ડ વગેરે દેશોમાં ફેલાઈ ગયા. આથી ઇઝરાયેલ જેવા રણ પ્રદેશમાં આપણને ભૂરી કે બ્રાઉન આંખો અને ગોરી ચામડી વાળા લોકો જોવા મળે છે જેઓ આ ખજર પ્રકારના યહૂદીઓના વંશજ છે. આ બાજુ સ્વિયતોસ્લાવની માતા ઓલ્ગા ખ્રિસ્તી બની. (આજે તે એક સંત તરીકે ખ્રિસ્તીઓના એક મોટા સમુદાયમાં પૂજાય છે) સવિયાતોસ્લાવનો પુત્ર વ્લાદિમીર પણ એની જેવો પરાક્રમી હતો. એણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને આખા રશિયામાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો. એણે રશિયામાં જેટલા મૂર્તિઓ અને મૂર્તિ પૂજક દેવ સ્થાન હતા એનો નાશ કર્યો અને રશિયામાં ખ્રિસ્તી ધર્મની વિજય પતાકા લહેરાવી. આજે પણ રશિયા અને યુક્રેનમાં લોકોને વ્લાદિમીર નામ ખૂબ વહાલું છે, પુતિન અને જેલેન્સ્કી ભલે શત્રુ હોય બેયના નામ વ્લાદિમીર છે અને આજે પણ 17 જુલાઈએ રશિયન અને યુક્રેનિયન લોકો સેન્ટ વ્લાદિમીર નો દિવસ ઉજવે છે. 17 જુલાઈ રશિયનો માટે બહુ વિશિષ્ટ દિવસ છે. આમ પરાક્રમી સ્વિયાતોસ્લાવનો પુત્ર વ્લાદિમીર ધ ગ્રેટ કહેવાયો અને સંત વ્લાદિમીર તરીકે સન્માન પામ્યો. જો વ્લાદિમીરના હોત તો રશિયા અને યુક્રેન આજે પણ મૂર્તિપૂજક દેશો હોત.
યુક્રેન, થીયોસોફી, કોંગ્રેસ, ઇઝરાયેલ અને શ્રીલંકા
યુક્રેનમાં ઉમરાવના કુટુંબમાં એક મહિલા જન્મી જેનું નામ હતું હેલેના. આ હેલેના લગ્ન કરીને હેલેના બ્લાવટસ્કી બની. હેલેનાને ધર્મો અને રહસ્યોનો અભ્યાસ બહુ ગમતો. એણે થીયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી.
યુક્રેનની આ હેલેનાએ આપેલા વિચારો જર્મન લોકોના મનમાં ઘર કરી ગયા હતા જેથી જર્મન લોકો પોતે આર્ય વંશી છે એવું માનતા થઈ ગયા. આ વિચારે વળી નાઝીવાદને જન્મ આપ્યો અને સરવાળે ઇઝરાયેલ નામના યહૂદીઓના અલગ દેશનું સર્જન કરવામાં આ વિચાર નીમિત બન્યો.
આ થીયોસિફિકલ સોસાયટીના એક સભ્ય એટલે એ. ઓ. હ્યુમ નામનો અંગ્રેજ અધિકારી જેણે કોંગ્રેસની સ્થાપના કરી હતી. કોંગ્રેસની સ્થાપના કરવાનું સૂચન એને કોઈ ‘મહાત્મા/દૈવી પુરુષ’ સ્વપનામાં આવીને કરી ગ્યા હતા એવું હયુમ કહેતો. કેમકે તે હેલેનાએ સ્થાપેલા થીયોસિફિમાં માનતો.
કોંગ્રેસની સ્થાપના અને ઇઝરાયેલના સર્જન બેય પાછળ પરોક્ષ રીતે યુક્રેનની મહિલા હેલેના એ સ્થાપેલ થીયોસોફિકલ સોસાયટીના વિચારો જવાબદાર હતા.
થીયોસીફિકલ સોસાયટીના એક સભ્ય અને અગ્રણી એવા રુક્મિણી દેવી આરન્ડેલે ભરત નાત્યમ નામના મૃત:પ્રાય બનેલા નૃત્યને પુનજીવિત કર્યું. ભરત નાટ્યમને દેવદાસીઓના નૃત્ય તરીકે બદનામ કરવામાં આવતું હતું પણ ખરેખર તો તે ધનિક હિન્દુઓની પુત્રીઓ દ્વારા મંદિરોમાં થતો નૃત્ય પ્રકાર હતો. રુકમણી દેવીએ ભરત નાટયમને એની પુરાણી અસ્મિતા પરત અપાવી. આજે ઠેર ઠેર યોજાતા આરનગેત્રમનો શ્રેય સ્વ રુકમણી દેવીને જાય છે. રુકમણી દેવી એ જ થીયોસોફિકલ સોસાયટીના અગ્રણી હતા જેની સ્થાપના યુક્રેનિયન મહિલા હેલેના બ્લાવતસકી એ કરેલી.
હેલેના બ્લાવસ્ટકીએ સ્થાપેલ આ સંસ્થાએ શ્રીલંકાને ફરી બૌદ્ધ બનાવ્યું હતું. શ્રીલંકા પોર્ટુગીઝ અને બ્રિટિશ શાસનના લીધે ખ્રિસ્તી બની ગયેલું. ઓગણીસમી સદીમાં એક થીયોસોફિસ્ટ હેનરી ઓલ્કોટ મેડમ બલાવતસકી સાથે શ્રીલંકા ગયો. એણે ત્યાં બૌદ્ધ સાધુઓ સાથે મળીને બૌદ્ધ ધર્મને પુનજીર્વિત કરવાનું અભિયાન આદર્યું. તે પોતે પણ બૌદ્ધ બન્યો. પરિણામે આજે શ્રીલંકા બૌદ્ધ રાષ્ટ્ર છે.
યુક્રેન જગત ઇતિહાસને પલટી ખવડાવવામાં અગત્યનો ભાગ ભજવતું રહ્યું છે. મોદી સાહેબ યુક્રેનના મનની બાત જાણીને એને પોતાના મન કી બાત કહી દેશે તો ચોક્કસ આવતો સમય ભારતનો હશે.