સૌરાષ્ટ્ર યુનિ.માં Ph.D.ના એડમિશન માટે NET ફરજિયાત નહીં, માસ્ટર ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ ટેસ્ટ જ લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં પીએચ.ડી. એડમિશન બાબતે અસમંજસ હતી. કારણ કે, ચાલુ વર્ષની શરૂઆતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે નેશનલ એલીજીબિલિટી ટેસ્ટને ફરજિયાત ગણવામાં આવી હતી. જોકે, પુખ્ત વિચારણાને અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિશોએ આ વર્ષે UGCનું અનુકરણ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે, જેથી આ વર્ષે પીએચ.ડી.માં એડમિશન માટે આગામી મહિને પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં માસ્ટર ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ તો અગાઉ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ગાઈડના અભાવે એડમિશન મેળવી શકતા વિદ્યાર્થીઓએ મેરીટ ટેસ્ટ આપવાની રહેશે. યુનિવર્સિટીમાં દર વર્ષે 1,200 જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી.માં એડમિશન માટેની એન્ટ્રન્સ અને મેરીટ ટેસ્ટ આપે છે. જોકે, તેમાંથી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે, પરંતુ ગાઈડના અભાવે 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જાય છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયાના જણાવ્યાં પ્રમાણે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ, આ વર્ષે પીએચ.ડી.માં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જોકે, હવે અગાઉ પીએચ.ડી. પાસ કરેલા અને પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે UGC NETની અમલવારી કરવાનું મોકૂફ રાખવામાં આવ્યુ છે. કાર્યકારી કુલસચિવ ડો. રમેશ પરમારે જણાવ્યું હતું કે, એક મહિનામાં PH.D પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
જેમા માસ્ટર ડિગ્રી પાસ થયેલા વિદ્યાર્થીઓને પીએચ. ડી. એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. જ્યારે અગાઉ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરેલી હોય અને NET પરીક્ષા પણ પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓએ મેરીટ ટેસ્ટ આપવાની રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા 28 માર્ચ, 2024ના એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, પીએચ.ડી.માં એડમિશન માટે નેશનલ એલિજીબીલિટી ટેસ્ટને એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગણવામાં આવે. જે બાબતે અગાઉ 30 એપ્રિલ, 2024ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમામ ભવનનાં અધ્યક્ષો, સંલગ્ન કોલેજોના આચાર્યો અને સંસ્થાના વડાઓને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો કે, UGC દ્વારા ચાલુ વર્ષથી NET ઉપરાંત PHD એડમિશન માટે નેશનલ એલીજીબિલીટી ટેસ્ટ ફરજિયાત છે.
ટેસ્ટ પાસ કરનાર વિદ્યાર્થીના ભવિષ્ય સામે પ્રશ્ર્નાર્થ
- Advertisement -
દરમિયાન ગત 21 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર સુધી વિષય વાઇસ અધ્યાપક બનવા માટેની નેશનલ એલિજીબીલિટી ટેસ્ટ લેવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, પીએચ.ડી.માં એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓએ નેટની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. જોકે, ત્યારે સવાલ એ ઉપસ્થિત થયો હતો કે, અગાઉના વર્ષોમાં જે ઉમેદવાર હોય એ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે અને આજીવન વેલિડિટી ધરાવે છે, તેવા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? કારણ કે, ગાઇડના અભાવે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરતા ઉમેદવારો એડમિશનથી વંચિત રહી ગયા હતા.