ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ શિવસેનાથી અલગ થઈ ગયેલા ધારાસભ્યો અને સાંસદોએ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના રાજકીય અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. શિંદે જૂથે શિવસેના પર સીધો દાવો કર્યો અને કહ્યું કે, ઉદ્ધવનો રાજકીય માર્ગ ભવિષ્યમાં કઠિન હશે. શિવસેનાનો આ વિવાદ સીધો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. તેથી ચૂંટણી પંચે શિવસેનાની અંદરના વિવાદ પર તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી બન્યો હતો. બંને પક્ષોએ પાર્ટી પર દાવો કર્યા તો ચૂંટણી પંચે શનિવારે શિવસેના નામના ધનુષ બાણ નિશાનને ફ્રિઝ કરી દીધું હતું.
ત્યારબાદ ચર્ચા શરૂ થઈ હતી કે, પાર્ટીનું ચૂંટણી પ્રતીક અને નામ ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર વધુ મુશ્કેલ બની જશે. પરંતુ ચૂંટણી પંચે પાર્ટીના ચૂંટણી પ્રતીક અને નામ માટે ત્રણ નવા વિકલ્પો સૂચવવાનો આદેશ આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ચતુરાઈપૂર્વક આ વિકલ્પો પસંદ કર્યા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે, તેમની પાર્ટીના નામ સાથે શિવસેના અને બાળાસાહેબના નામનો ઉલ્લેખ કરવામાં આવે. જોકે ચૂંટણી પંચે શિવસેના બાળાસાહેબ ઠાકરેના નામની ઉદ્ધવની પ્રથમ પ્રાથમિકતાની માંગને ફગાવી દીધી હતી.
- Advertisement -
પરંતુ તેણે શિવસેનાનું નામ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની મંજૂરી આપી હતી. તેમજ પક્ષના પ્રતીક તરીકે ઠાકરે જૂથને મશાલ આપવામાં આવી હતી.