ગુજરાત સહિતના રાજયોમાં વરસાદ-આંધીનું એલર્ટ
કાશ્મીર-હિમાચલમાં ફરી હિમવર્ષાની આગાહી: તા.15 બાદ ફરી ગરમીનો પ્રકોપ સર્જાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
ઉનાળાના આકરા તાપ-સુર્યપ્રકોપ વચ્ચે નવુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ એકટીવ થયુ છે અને તેના પ્રભાવ હેઠળ ગુજરાત સહીત 10 રાજયોમાં હવામાન પલટો તથા કાશ્ર્મીર-હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની આગાહી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા છતીસગઢમાં શનિવાર સુધી કમોસમી વરસાદનો દોર જારી રહેવાની શકયતા છે.આ સિવાય રાજસ્થાનનાં 14 જીલ્લામાં વરસાદી એલર્ટ જારી કરાયું છે. પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડીશા બિહાર તથા આંદામાન-નિકોબારમાં પણ વરસાદ પડશે જયારે હિમાચલ તથા કાશ્ર્મીરમાં શનિવાર સુધી હિમવર્ષા થવાની સંભાવના છે.
હવામાન પલટા માટે ઈરાન-પાકિસ્તાન થઈને ઉતર ભારત પહોંચેલુ વેસ્ટર્ન ડીસ્ટબન્સ જવાબદાર છે. આ વખતે ફેબ્રુઆરીથી વારંવાર-વખતોવખત વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ એકટીવ થયા હોવાના કારણોસર હવામાન પલટા સર્જાયા હતા. જોકે 15 એપ્રિલ બાદ ફરી વાતાવરણ સામાન્ય બનશે અને આગ ઓકતી ગરમી પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 13-14 એપ્રિલે પશ્ર્ચિમી રાજસ્થાન, ગુજરાત તથા ઉતર પ્રદેશમાં વરસાદ થઈ શકે છે. માવઠાની અસરે થોડો વખત તાપમાનમાં રાહત મળી શકે. મધ્યપ્રદેશ, છતીસગઢ, વિદર્ભ, મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્રમાં 50 કીમીની આંધી સાથે વરસાદની શકયતા છે પંજાબ,હરીયાણા, દિલ્હીમાં પણ તેજ હવા સાથે માવઠા પડવાની સંભાવના છે. હવામાન ખાતાનાં રીપોર્ટ મુજબ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ અફઘાનીસ્તાન તથા તેને અડીને આવેલા ઉતર પાકિસ્તાન પર સમુદ્રી સપાટીથી 3.1 કીમી ઉંચાઈએ છે.
પશ્ચિમી હવાઓનું એક લો-પ્રેસર પણ સર્જાયુ છે અને અપર એર સરકયુલેશન 5.8 કીમીની ઉંચાઈએ છે. દક્ષિણ પુર્વીય રાજસ્થાન પર ચક્રાવાતી પવનનુ ક્ષેત્ર બન્યુ છે. એક ટ્રફ રેખા દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી પશ્ર્ચિમ બંગાળ થઈને પૂર્વોતર બાંગ્લાદેશ સુધી ફેલાયેલી છે. આજથી એકટીવ થયેલુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ પશ્ર્ચિમ ભારતને પ્રભાવીત કરશે.