ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ કચરો નાખનારા બે એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત વડાલિયા ઓર્થોપેડિક હોસ્પિટલ અને વોર્ડ નંબર 12માં બાયપાસ રોડ પર કચરો નાખતા એક વાહનને કુલ રૂ. 46,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાના એસ.આઈ. જીગ્નેશ ઓડેદરાની આગેવાનીમાં વોર્ડ નંબર 12માં બાયપાસ રોડ પર મેજિક વાહન દ્વારા જાહેર સ્થળે કચરો નાખતા પકડાયેલા એકમને રૂ. 21,000નો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વોર્ડ નંબર 7માં ઝાંઝરડા ચોકડી પાસે આવેલી ડો. વડાલિયા હોસ્પિટલ દ્વારા હોસ્પિટલનો કચરો વોકળામાં નાખતા પકડાતા તેને રૂ. 25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા જાહેર સ્થળોએ કચરો નાખતા કે ગંદકી ફેલાવતા પકડાશે તો તેમને દંડ કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગની કામગીરી ચાલુ રહેશે.