ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીક જામનગર રોડ પર પરાપીળિયા સર્વેમાં ન્યારા ક્રિસ્ટલ સ્કૂલની બાજુમાં જેઠુરભાઈ રાઠોડની વાડી આવેલી છે. ત્યાં છેલ્લા સાતેક વર્ષથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુરનો પરપ્રાંતિય પરિવાર વાડીએ રહી મજૂરી કામ કરે છે. દંપતી તેની બે પુત્રીઓ સવિતા ઉ.વ.16, કરમા ઉ.વ.21 તથા મોટો પુત્ર પુત્રીની પત્ની સહિતના વાડી પર મકાનમાં રહે છે.
ગઈકાલે મોડીરાત્રીના બન્ને બહેનો સવિતા તથા કરમા બન્ને વાડીના કૂવામાં પડી હતી. દેકારો થયો હતો. નાની સવિતાએ કૂવામાં પાઈપ પકડી રાખી ચીસો પાડતા તેનો ભાઈ પરિવાર દોડી આવ્યા હતા.
અન્ય એક યુવતી કરમા બહાર નીકળી શકી નહતી. કૂવામાં અંદર ખુંપી ગઈ હતી. વાડીધારક સહિતના અન્યો પણ મોડીરાત્રે એકત્રિત થઈ ગયા હતા. યુનિવર્સિટી પોલીસ તેમજ ફાયરબ્રિગેડ સ્ટાફને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે જરૂરી બચાવ સાધનો સાથે કૂવામાં યુવતીને શોધવા કામગીરી કરી હતી. દોરડા વડે તેમજ બચાવની અન્ય સામગ્રી લઈને કૂવામાં ફાયર સ્ટાફ ઉતર્યેા હતો. રાત્રીનો સમય હોવાથી અંધકારને લઈને પણ ભારે મુશ્કેલી ઉદભવી હતી.
ત્રણેક કલાકથી વધુ જહમેતના અંતે યુવતી કરમાનો મૃતદેહ બહાર કાઢવામાં
આવ્યો હતો.
ઘટના સંદર્ભે તપાસનીસ એએસઆઈ ઈકબાલભાઈ મોરવાડિયાના જણાવ્યા મુજબ વાડીએ ગતરાત્રે બન્ને બહેનો પાણી વાળી રહી હતી. પાણી અચાનક બધં થઈ જતાં બન્ને બહેન રાત્રે કૂવામાં પાણી જોવા કે શું મુશ્કેલી થઈ તે જોવા કૂવા તરફ ગઈ હતી. અકસ્માતે પગ લપસતા એક કૂવામાં પડતા તેને પકડવા જતાં બન્ને કૂવામાં પડી હોવાનો અંદાજ છે.
કૂવામાં પડેલી બન્ને પૈકી નાની સવિતાએ કૂવામાં પાણી માટે રાખેલો પાઈપ પકડી રાખ્યો હતો અને ચીસાચીસ કરતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને સવિતાને બચાવી લેવાઈ હતી. જયારે મોટી કરમા ઉ.વ.21 કૂવામાં નીચે ગરક થઈ ગઈ હતી જેને લઈને જીવ બચી શકયો નહતો. હાલ તો ઘટના આકસ્મિક હોવાનું આમ છતાં વધુ તપાસ હાથ ધરાઈ છે.