ગુજરાત યુનિ. ખાતે યોજાયેલ સંસ્કૃતિ મહોત્સવમાં બંનેનું અભિવાદન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
સેવા પરમો ધર્મને સાર્થક કરતા લોકો હંમેશા સન્માનીય હોય છે. ગુજરાતમાં અનેક એવા સેવાભાવીઓ છે કે જેઓ દીનદુ:ખીયા અને ગરીબોની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિ. ખાતે યોજાયેલ સંસ્કૃતિ મહોત્સવમાં જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુને સન્માનિત કરાયા હતા. સાથે જાણીતા સેવાકર્મી નીતિન જાની (ખજૂરભાઈ)નું પણ અભિવાદન થયું હતું. ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂર અને જાણીતા પત્રકાર રોનક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તળાજાના ભારદ્વાજબાપુ આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે.
- Advertisement -
ભારદ્વાજ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી નિયમીત નિરાધારને ભોજન આપે છે તેમજ આખો શિયાળો રોજ સવારે રોડ ઉપર સૂતેલાને ધાબળા આપે છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, હોસ્પિટલમાં શીરો, ગરીબ બાળકોને ચપ્પલ વગેરે આપતા રહે છે. ખજૂરભાઈ અને ભારદ્વાજ બાપુ ગરીબોના મસીહા છે. ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ’ખજૂરભાઈ’ એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે.