SOG ટીમે 4 કિલો 450 ગ્રામ ગાંજા સહિત 53 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રફાળેશ્વર ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને 4 કિલો 450 ગ્રામ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને રૂ. 53 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ એક આરોપીનું નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા અમુભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઇ પાલાભાઈ રાઠોડ નામના બંને શખ્સો અમુભારથીના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડીને અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈ તેમજ બાબુભાઇ પાલાભાઈ રાઠોડ નામના શખ્સને 4 કિલો અને 450 ગ્રામ ગાંજો (કિં.રૂ. 44,500), બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 7100 તેમજ લોખંડનું ત્રાજવું અને વજનીયા સહિત રૂ. 53,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાંજાના આ વેપલામાં બનાસકાંઠામાં રહેતા કરશનભાઇ ભીખાભાઇ વાઘેલાની સંડોવણી હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધાવીને તપાસ શરૂ કરી છે.
મોરબીનાં રફાળેશ્વર ગામેથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
