લુ લાગી જાય કે, ગરમીથી હૃદય રોગનો હુમલો આવે તો ઇમરજન્સી રૂમમાં વિશેષ વ્યવસ્થા રખાઈ
દિવ્યાંગો, સગર્ભા બહેનો, સિનિયર સિટીઝન, ન ચાલી શકતા હોય તેવા દર્દીઓ માટે તમામ બુથ પર વ્હિલચેરની વ્યવસ્થા કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
આવતીકાલે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. રાજકોટ શહેરમાં લોકસભા ચુંટણીનું મતદાન થશે. આજે પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. પરંતુ સૂરજ દેવતા આકરો તાપ વરસાવે તેવુ અનુમાન છે, તડકા વચ્ચે આવતીકાલે મતદાન છે ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ આકસ્મિક આરોગ્ય પરિસ્થિતિને સંભાળી લેવા સજજ છે. મતદાન વખતે સિવિલ હોસ્પિટલના તબીબોની બે મોબાઈલ ટીમ ખડેપગે રહેશે. બુથ પર 600થી વધુ મેડિકલ કીટ પહોંચાડી દેવાઈ છે.
સિનિયર અને જુનિયર ડોક્ટર સહીત પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે રહશે. લુ લાગી જાય કે, ગરમીથી હૃદય રોગનો હુમલો આવે તો ઇમરજન્સી રૂમમાં વિશેષ વ્યવસ્થા રખાઈ છે. તાપમાનનો પારો ઊંચો રહેવા અનુમાન હોય, મતદાન મથકો પર આવતા મતદારો અને ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ – અધિકારીઓના આરોગ્યની તકેદારી સિવિલ હોસ્પિટલ તંત્ર રાખશે. દિવ્યાંગો, સગર્ભા બહેનો, સિનિયર સિટીઝન, ન ચાલી શકતા હોય તેવા દર્દીઓ માટે તમામ બુથ પર વ્હિલચેરની વ્યવસ્થા કરાઈ છે.
- Advertisement -
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં મતદાનના દરેક બુથ પર મેડિકલ ટીમ ખડે પગે રહેશે. હાલ સિવિલ હોસ્પિટલ દ્વારા બે મોબાઈલ ટીમ બનાવવામાં આવી છે.
આ મોબાઈલ ટીમમાં એક સિનિયર ડોક્ટર એક જુનિયર ડોકટર સહિત નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનીશ્યન અને વર્ગ-4ના કર્મચારી ખડે પગે રહેશે.
સિવિલ હોસ્પિટલ દ્વારા 600 મેડિકલ કીટ તૈયાર કરાવામાં આવી છે. જેમાં ફર્સ્ટ એડ, લુ લાગે તો તે માટેની દવાઓ, બીજી પ્રાથમિક દવાઓનો સમાવેશ છે.