કારને કટરથી કાપી બહાર બે વ્યક્તિને કાઢી જૂનાગઢ સારવાર માટે ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મોડી રાત્રે કેશોદ નજીક એક કાર ઝાડ સાથે અથડાતાં 2 યુવકોના મોત નિપજ્યાં હતાં જયારે 2 યુવકોને ગંભીર ઇજા પહોંચતાં કેશોદ બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયાં હતાં. કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. નમાંગરોળ તાલુકાના કંકાણા ગામનાં ઉમેશભાઈ જેરામભાઈ ડાભી, તેના ભાઈઓ ચંદુભાઈ, ભરતભાઈ અને જયદીપભાઇ પરિવાર સાથે કેશોદમાં એરપોર્ટ રોડ પર રહેતા પિતરાઈ સાહિલના લગ્ન પ્રસંગે આવ્યા હતા. મંગળવારની રાત્રિના જુનાગઢ રહેતા વિશાલભાઈ અશોકભાઈ સોલંકી, મયુરભાઈ શુભમભાઈ સોલંકી, કંકાણા ગામના ચંદુભાઈ જેરામભાઈ ડાભી તથા કેશોદ પાસેના કેવદ્રા ગામના વિજયભાઈ અમૃતભાઈ સોલંકી લગ્ન પ્રસંગેથી વિશાલભાઈની જીજે 02 આર 9298 નંબરની કારમાં કેશોદ બાયપાસ રોડ પર નાસ્તો કરવા ગયા હતા. તે વખતે જૂનાગઢ રોડ પર આહિર સમાજની વાડી પાસે વિશાલભાઈએ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી.
- Advertisement -
અકસ્માતની જાણ થતા લેડી પીએસઆઇ આર. આર. બ્લોચ સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા ફાયર ટીમની મદદ લેવી પડી હતી. ફાયર ટીમે કટરની મદદથી પડીકું વળી ગયેલી કારમાં સવાર યુવકોને ઝડપથી બહાર કાઢયા હતા.
અકસ્માતથી ગંભીર ઇજા પામેલા ચારેય યુવાનોને 108 એમ્બ્યુલન્સમાં કેશોદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચંદુભાઈ ડાભી અને વિજયભાઈ સોલંકીને મૃત જાહેર કરાયા હતા જ્યારે વિશાલભાઈ અને મયુરભાઈ સોલંકીને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની દુ:ખદ ઘટનાના પગલે લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. યુવાનોના પરિવારમાં ગમગીની વ્યાપી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.