‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ આ પંક્તિને ખોટી સાબિત કરતો ગાંધીગ્રામ પોલીસનો શરમજનક કિસ્સો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પોલીસ પ્રજાનો મિત્ર છે આ સ્લોગન રાજકોટ પોલીસ માટે ખોટું સાબિત થઇ રહ્યું છે કારણકે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં છરીથી હુમલો કરવાના કેસમાં પકડાયેલા સગીર આરોપીના અતિ ક્રૂરતાપૂર્વક હાથેથી વાળ ખેંચવાનો વીડિયો વાયરલ થયા બાદ બાળકના દાદાએ મુખ્યમંત્રી અને રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા એસીપીને તપાસ સોંપવામાં આવી હતી જેમાં બે જવાનોની તાત્કાલિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ અન્ય સામે પણ તોળાતા પગલાં લેવામાં આવશે તેવું વિશ્વશનીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયા રોડ પરના કનૈયા ચોક પાસે એક યુવક પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો ગાંધીગ્રામ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી એક સગીર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓ પૈકી સગીર આરોપીના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સફાઈ કામદાર તરીકે રખાયેલો શૈલેષ ચૌહાણ હાથેથી વાળ ખેંચતો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે સગીર આરોપીના વાળ જોરથી ખેંચી મૂળમાંથી ઉખેડી સફાઈ કામદાર શૈલેષ ચૌહાણ અટહાસ્ય કરતો હોય તેવું વીડિયોમાં જોવા મળ્યું હતું બનાવ પ્રકાશમાં આવતા પોલીસની બર્બરતા સામે પણ અનેક સવાલો ઉઠ્યાં હતા અને તુરંત ગાંધીગ્રામ પોલીસ મથકના સફાઈ કામદારને છુટ્ટો કરી દેવાયો હતો અને તાત્કાલિક અસરથી આ કેસની તપાસ એસીપી રાધીકા ભારાઈને સોંપવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં આ વિડીયો એક કોન્સ્ટેબલે એક પોલીસમેનની હાજરીમાં ઉતાર્યો હોવાનું જાણવા મળતા તાત્કાલિક બે પોલીસમેન પ્રદીપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની ટ્રાફિક અને હેડ ક્વાટરમાં બદલીનો હુકમ કર્યો હતો હાલમાં બે કોન્સ્ટેબલોની બદલી કરી પ્રકરણને ઠંડું પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આ પ્રકરણમાં માનવ અધિકાર આયોગે પણ ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે જો કે એસીપી દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે.