મોરબી SOG ટીમે 1.18 લાખનો જપ્ત કર્યો, ચાર ઈસમોના નામ ખુલ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારના રહેણાંક મકાનમાં મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને 10 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહીત બે ને દબોચી લીધા હતા જયારે ગાંજાના આ ધંધામાં વધુ ચાર શખ્સોના નામ ખુલતા પોલીસે ચારેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી ટીમે કુલ રૂપિયા 1,18,200 નો મુદામાલ કબ્જે કરીને તમામ છ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અન્વયે વાંકાનેર સીટી પોલીસ મથકે ગુન્હો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
મોરબી એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર 3 માં રહેતા જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ ઘાંચી, ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઈ ઘાંચી અને અલીમામદભાઇ હનીફભાઇ ઘાંચી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે એસઓજી ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી એક લાખની કિંમતનો 10 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે જુબીબેન હનીફભાઇ ઘાંચી (ઉં.વ. 60) અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ ઘાંચી (ઉં.વ. 31) ની અટકાયત કરીને ગાંજાના જથ્થા સહીત રોકડા રૂપીયા 15,500, ઈલેકટ્રીક વજન કાંટો અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,18,200 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અલીમામદભાઇ હનીફભાઇ ઘાંચી, ઈરફાન નુરમામદ મકવાણા, નુરમામદ હાજીભાઇ મકવાણા તથા અબ્દુલ યુસુફભાઇ સૈયદ એમ ચાર શખ્સોના નામ ખુલતા ચારેય ઈસમોની શોધખોળ શરુ કરવામાં આવી છે અને તમામ છ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટની કલમ 8(સી),20 (બી) ,29 મુજબ ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.