ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન ઉભું કરવાની તેમજ જૂના ફાયર સ્ટેશનોનું નવીનીકરણ કરવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં રાજકોટની કટારીયા ચોકડી નજીક નવું ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવશે. જ્યારે કનક રોડ અને બેડીપરા સહિત બે ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. આ અંગેની દરખાસ્ત આગામી બજેટમાં મુકવામાં આવી હોવાથી ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે તમામ કામગીરી પૂર્ણ થતાં અંદાજે દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા છે.
ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટમાં કુલ 7 ફાયર સ્ટેશન અને એક કવિક રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. આ પૈકી કનક રોડ ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવીનીકરણ કરવાનો નિર્ણય હાલ કરવામાં આવ્યો છે. આ માટે પ્લાન મુકવામાં આવ્યો છે. જે મંજૂર થયા બાદ ઢેબર રોડ પરની નાગરિક બેંક સામે આ ફાયર સ્ટેશનનું સ્થળાંતર કરવામાં આવશે. સાથે જ બેડીપરા ફાયર સ્ટેશન પણ જર્જરિત હોવાથી તેનું પણ રીનોવેશન કરવામાં આવનાર છે. જેનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ મેળવવા સહિતની કામગીરી સિટી એન્જીનીયરની દેખરેખમાં કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ શહેરમાં 5 જેટલા નવા ગામ ભળતા વિસ્તાર મોટો થયો છે અને પશ્ચિમ વિસ્તારમાં વધુ એક ફાયર સ્ટેશનની જરૂરિયાત હોવાનું લાગી રહ્યું છે. આ કારણે કાલાવડ રોડ પરની કટારીયા ચોકડી નજીક નવું ફાયર સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ બધી દરખાસ્તો આગામી બજેટમાં મુકવામાં આવી છે. જે મંજૂર થશે તો ખૂબ ટૂંક સમયમાં જુના ફાયર સ્ટેશનનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અને આગામી દોઢ-બે વર્ષમાં લોકો માટે આ તમામ સુવિધા ઉપલબ્ધ થશે.
કનક રોડ, બેડીપરાના બે ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરાશે, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે
