ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ અમદાવાદ હાઇવે વધુ એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મંગળવાર રાત્રિના 8 વાગ્યા આસપાસ રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા રાજકોટ હિરાસર એરપોર્ટમાં ફરજ બજાવતા બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટનાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ અમદાવાદ હાઇવે પર દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફરજ માટે જતા બે કર્મચારીઓ એરપોર્ટના ગેઈટ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે રેતી ભરેલા ડમ્પરે બંને કર્મચારીને અડફેટે લીધા હતા. જેમાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક કર્મચારીએ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું.
રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજ બજાવતા હિરેન કુમાર નિરંજની (ઉ.વ.36) અને રાકેશ કુમાર સિંઘ (ઉ.વ.51) નું મોત નીપજ્યું હતું. બંને કર્મચારી એરપોર્ટ ખાતે નોકરીએ જઈ રહ્યા હતા. તે સમયે રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા જ બંનેના મોત નિપજ્યા હતા.
અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ડમ્પર છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ એરપોર્ટ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટના બે કર્મચારીનાં મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર
