ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ગીર-ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસેલા ભારે વરસાદ અને પવનને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે દિવાળી પૂર્વે જ ખેડૂતો નિરાશામાં મુકાયા છે.
મધરાત્રીથી વરસેલા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મગફળી, તુવેર, મગ, જુવાર, તલ, કપાસ અને સોયાબીન જેવા ઉભા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને ખેતરોમાં લણીને પાથરેલી મગફળીનો પાક વરસાદી પાણીથી પલળી જતાં બરબાદ થવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ વર્ષે આગોતરું મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે, જેના કારણે મગફળીના ઉત્પાદનને સીધી અસર પડશે. આ ઉપરાંત, ભારે વરસાદ અને પવનને કારણે કપાસનો પાક પણ ક્ષતિગ્રસ્ત થયો છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ છે. સોયાબીન, જુવાર અને બાજરાના પાક પણ પવનના હિસાબે ઢળી પડ્યા છે. પાકને નુકસાન થવાની સાથે સાથે ખેડૂતો માટે બીજી મોટી ચિંતા એ છે કે પશુધન માટેનો ચારો પણ વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયો છે. પાક અને પશુચારા બંનેને નુકસાન થતાં ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે. આનાથી પાક સડી જવાની કે ખરાબ થઈ જવાની શક્યતાઓ વધી જાય છે. વ્યાપક નુકસાની થતા ખેડૂતોએ કુદરતી આપત્તિ સામે યોગ્ય સહાય અને રાહતની માંગ કરી છે.
ગીર-ગઢડા પંથકમાં બે દિવસના ભારે વરસાદથી ઊભા પાક અને પશુચારાને વ્યાપક નુકસાન
