હળવદ પંથકમાં ત્રણ સ્થળોએ વીજળી ત્રાટકી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં છેલ્લાં 24 કલાકથી હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હળવદ પંથકમાં શુક્રવારે ગાજવીજ સાથે બે’ક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો પંથકના ત્રણેક ગામમાં વીજળી ત્રાટકી હતી જ્યારે માથક ગામે વીજળી પડતા બે પશુઓના મોત થયા હતા.હળવદ પંથકમાં શુક્રવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જે વરસાદની સાથે હળવદ પંથકમાં ત્રણ સ્થળે વીજળી ત્રાટકી હોવાના અહેવાલ મળ્યા હતા જેમાં હળવદ શહેરમાં આવેલ ઈંગોરાળા રોડ પરના ઘનશ્યામભાઈ કણઝારિયાની વાડીએ વીજળી પડતા ત્યાં વાડીમાં આવેલ ટ્રાન્સફોર્મર સળગવા લાગ્યું હતું જોકે સદનસીબે બનાવ સમયે ત્યાં કોઈ માણસ કે પશુ હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી જયારે હળવદના ખોડ ગામના સીમ વિસ્તારમાં પણ વીજળી પડી હતી અને અહીં પણ કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત હળવદના માથક ગામે વીજળી પડતા એક ગાય અને એક ભેંસનું મોત નીપજ્યું હતું.