કેશોદના અગતરાય રોડ પર ગૌરક્ષક દળના કાર્યકરોએ વાછરડાંને કતલખાને લઇ જતાં બોલેરોને ઝડપી પાડી પોલીસને હવાલે કરતાં પોલીસે 2 વાછરડા સહિત 2,06,000 મુદામાલ જપ્ત કરી ફરીયાદ નોંધી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ બુધવારે સાંજે પ્રાણી કૃરતાં અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય અગતરાય રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક જીજે 11 ટીટી 7026 નંબરની બોલેરો નજરે ચઢયું હતું. જેમાં અઢી વર્ષના 2 વાછરડાં હલન ચલન કરી ન શકે તેવી રીતે બાંધેલ હતા.જેથી શંકા જતાં તેને રોકાવી હતી. આ બોલેરોનાં ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી ગૌરક્ષક દળના કાર્યકરો તેને પોલીસ સ્ટેશને લઈ ગયાં હતાં. પોલીસે ડ્રાઇવરની પુછપરછ કરતાં તેનું નામ રાજુ ઉર્ફે લાખો ભીખનભાઈ મોરી હોવાનું અને 2 વાછરડાંને શાપુરના ઇમરાન ઈબ્રાહિમભાઈ બેરાએ થાણાપીપળીના રાજુભાઈ ડોબરિયા પાસેથી ખરીદ કર્યા હોય લઈ જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રાકેશભાઈ ગરેજાની ફરીયાદ આધારે ત્રણેય વિરૂદ્ધ પશુઓ સાચવણી અને કૃરતાં પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ડ્રાઇવરની અટક કરી હતી.
જયારે અન્ય 2 શખ્સો મળી આવેલ ન હોય આગળ તપાસ હાથ ધરી છે.
કશોદ નજીકથી કતલખાને લઇ જવાતાં બે વાછરડાંને બચાવાયા
