અકસ્માત બાદ ડ્રાયવર બદલી ગયાના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર
સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કરતા અંતે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટના કાલાવડ રોડ ઉપર ન્યારી ડેમ નજીક ગત તા.21ના સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકનું શનિવારે મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર કાર સગીર ચલાવતો હતો અને ડ્રાઇવરે કાર સગીરને આપી હોવાનું ખૂલતા પોલીસે બંને સામે સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કર્યો હતો. ડ્રાઇવરની ધરપકડ કરી સગીર આરોપીને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દેવાયો હતો.
- Advertisement -
રાજકોટના મોટામવાના 50 વારિયા ક્વાર્ટર્સમાં રહેતો પરાગ જયંતીભાઇ ગોહેલ (ઉ.વ.18) ગત તા.21ના સ્કૂટર ચલાવીને જતો હતો અને ન્યારી ડેમ નજીક પહોંચ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે સ્કૂટરને ઉલાળ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા પરાગને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને શનિવારે સાંજે પરાગનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થેે ખસેડાયો હતો અકસ્માત સર્જાયાના બીજા દિવસે પરાગના મિત્ર ક્રિશ મેરે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે આરોપી તરીકે કારના ડ્રાઇવર વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.55)નું નામ આપ્યું હતું. પોલીસે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી નહોતી. દરમિયાન ક્રિશ અને પરાગના સંબંધીઓને અકસ્માત સ્થળનું સીસીટીવી ફૂટેજ હાથ આવ્યું હતું જેમાં અકસ્માત વખતે કાર પ્રવીણસિંહ નહીં પરંતુ કોઇ સગીર ચલાવતો હોવાનું જોવા મળતાં પોલીસે આરોપી બદલી નાખ્યા અંગેના આક્ષેપ શરૂ થયા હતા. જોકે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, ક્રિશ મેરે ફરિયાદ વખતે આરોપી તરીકે પ્રવીણસિંહનું નામ આપ્યું હતું તો પોલીસે પ્રવીણસિંહને આરોપી બતાવ્યો હતો અને જો હવે અન્ય કોઇ વ્યક્તિ આરોપી તરીકે તપાસમાં ખૂલશે તો તેની સામે કાર્યવાહી થશે, પીઆઇ હરિપરા સહિતના સ્ટાફની તપાસમાં અકસ્માત સર્જાયો ત્યારે કાર સગીર ચલાવતો હતો. પોલીસે ભાજપ આગેવાનના સગીરવયના પુત્રને સકંજામાં લીધો હતો અને પ્રવીણસિંહ તથા સગીર સામે સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે પ્રવીણસિંહની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી જ્યારે સગીરને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દીધો હતો. બંને આરોપીની ધરપકડ થતા રવિવારે બપોરે ગોહેલ પરિવારે મૃતદેહ સ્વીકારી મૃતકની અંતિમ વિધિ કરી હતી.



