ટેલિગ્રામ પર સાયબર ફ્રોડના કારણે યુવતીએ ₹28 લાખનું દેવું કરીને જીવન ટૂંકાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના ખાંભામાં ગત 16 જુલાઈના રોજ એક યુવતીની આત્મહત્યાના મામલે ખાંભા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં સાયબર ફ્રોડનું મોટું રેકેટ સામે આવ્યું છે.
- Advertisement -
ખાંભામાં આવેલી ઈંઈંઋક બેંકમાં કામ કરતી 25 વર્ષીય યુવતી ભૂમિકાબેન હરેશભાઈ સોરઠીયાએ ફરજ દરમિયાન અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ પીને આત્મહત્યા કરી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં તેણે દેવું થઈ જવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
ખાંભા પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભૂમિકા ટેલિગ્રામ પર એક ચેનલના સંપર્કમાં આવી હતી. આ ચેનલના સંચાલકોએ તેને પૈસાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી, જેના પરિણામે તેને 28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જ્યારે ભૂમિકાએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ ઇનકાર કરી દીધો હતો, જેથી હતાશ થઈને તેણે આત્મહત્યા કરી હતી.આ મામલે ખાંભા પોલીસે મધ્યપ્રદેશથી પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુનગો અને રાજસ્થાનના જોધપુરથી રોહિત અમોલકદાસ રામચંદ્રની ધરપકડ કરી છે. આ આરોપીઓ સામાન્ય લોકોને પૈસાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ્સ ખરીદી લેતા હતા અને તેને અન્ય સાયબર ગુનેગારોને ઊંચા ભાવે ભાડે આપતા હતા. એકાઉન્ટ દીઠ મહિનાનું ભાડું મેળવીને આ રેકેટ ચલાવતા હતા. હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, અને આ કેસમાં વધુ આરોપીઓ સામે આવી શકે છે તેવી શક્યતા છે. ખાંભા પોલીસે આ રેકેટના અન્ય સભ્યોની પણ શોધખોળ હાથ ધરી છે.