ઉત્તરપ્રદેશના કુશીનગરમાં રાત્રે બનેલી ઘટના : પીઠી ચોળવાની વિધિ દરમિયાન બની ઘટના
પોલીસ આવે તે પહેલા ગામના પુરુષો ફરાર થઇ ગયા : ઘાયલોને યોગ્ય સારવાર આપવા મુખ્યમંત્રીએ આપી સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં લગ્ન પ્રસંગ દરમિયાન કૂવામાં પડી જવાથી 13 મહિલાઓ અને યુવતિઓના મોત થયા હતા. મૃતકોમાં 9 છોકરીઓ પણ સામેલ છે. સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. આવી સ્થિતિમાં કુવામાં ભરપૂર પાણી હોવાને કારણે મહિલાઓ કુવામાં ડૂબી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગામના લોકોની મદદથી મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. આ અકસ્માત કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા વિસ્તારમાં થયો હતો. આ દરમિયાન કુશીનગરના જિલ્લા કલેકટર એસ રાજલિંગમે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે આકસ્મિક રીતે કૂવામાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના એક લગ્ન સમારંભ દરમિયાન બની હતી, જેમાં કેટલાક લોકો કૂવા ઉપરના સ્લેબ પર બેઠા હતા અને વધારે વજનને કારણે કૂવા ઉપરનો સ્લેબ તૂટી ગયો હતા. તેમણે કહ્યું, મૃતકોના પરિજનોને વહીવટીતંત્ર દ્વારા 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત એક લગ્ન સમારોહમાં હલ્દી-પીઠી સમારોહ દરમિયાન થયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નૌરંગિયા ગામની શાળામાં બુધવારે રાત્રે લગભગ 9 વાગે મહિલાઓ અને છોકરીઓ લગ્ન સમારંભના એક માંગલિક કાર્યક્રમમાં કૂવાની પૂજાની વિધિ માટે એકત્ર થયા હતા. જ્યાં કૂવામાં પાણી ભરાયેલું હતું. ભીડ ભારે હતી. જેના કારણે યુવતીઓ અને મહિલાઓ કૂવાના સ્લેબ પર અને કૂવા પર બનાવેલા પ્લેટફોર્મ પર બેસી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કૂવા ઉપરનો સ્લેબ નબળો હોવાને કારણે તે તૂટી ગયો હતો, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. તેમને બચાવવા માટે ઘણી મહિલાઓ પણ કૂવામાં કુદી હતી.
- Advertisement -
જે ડૂબી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને ખબર પડી રહી છે કે લોકો સીડી લગાવીને કૂવામાં ઉતર્યા છે અને રાહત કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. જ્યાં રાત્રીના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં સમસ્યા સર્જાઈ છે ત્યાં ટોર્ચના પ્રકાશમાં કામ કરવું પડ્યુ છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૂવામાં પડી જવાથી લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં, મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના એટલી ભયાનક હતી કે આખા ગામમાં કોહરામ મચી ગયો. લગ્નના ઘરમાં તો ચીસાચીસ થઈ ગઈ. ગામથી લઈને હોસ્પિટલ સુધી, તમામ સ્થળોએ હાહાકાર મચી ગયો. કમિશનર, ડીઆઈજી, ડીએમ, એસપી ઘટનાસ્થળ પર પહોંચ્યા. પીડિત પરિવારને તમામ શક્ય મદદ અપાવવાનો ભરોસો આપ્યો. પોલીસ જણાવે છે કે, તેઓ જ્યારે ગામ પહોંચ્યા તો ગામના પુરુષ ફરાર હતા. તેમને ડર હતો કે ક્યાંક ગામના લોકો ગુસ્સામાં આવીને તેમની સાથે મારપીટ ન કરે.