अलग-अलग पथ बतलाते सब पर मैं यह बतलाता हूँ –
‘राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला।
‘राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला।
વિવિધ આલ્કોહોલિક પીણાંનો મતલબ અને તેની સામગ્રીની સમજ
આપણે ત્યાં દારૂ પીવા પર પ્રતિબંધ છે એના વિશે લખવા-વાંચવા કે જાણવા પર નહીં. ચંદ્રકાંત બક્ષીએ લખેલું કે, – ‘જેમ કિશોરમાંથી કુમારમાંથી જવાન થવાય છે એમ સોફ્ટ ડ્રિંક્સમાંથી બિયર પર થઈને વ્હીસ્કી તરફ જવાય છે, એવો શરાબશાસ્ત્રનો નિયમ છે!’ – તો ઘણાએ આ નિયમને અનુસરીને પહેલા સોફ્ટ ડ્રિંક પછી વાયા બિયર વ્હીસ્કી તરફ પ્રયાણ કર્યું હશે અથવા માત્ર જાણવાજોગ ચાખ્યો હશે, પણ વાસ્તવમાં ખ્યાલ નહીં હોય એ બિયર, વ્હીસ્કી, રમ, વાઈન વગેરે શું છે અને તેની સંસ્કૃતિ અને ઈતિહાસ શું છે. બહુ વિશાળ પથારો ધરાવતા આ તમામ આલ્કોહોલિક પીણાંઓ વિશે ટૂંકાણમાં પણ જાણવા જેવી મજેદાર વાતો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
બિયર : પાણી અને ચા પછી વિશ્વમાં સૌથી વધુ પીવાતો પેય પદાર્થ
- Advertisement -
ઘણાં નોનવેજ નથી ખાતાં હોતા, પણ ઈંડાને નોનવેજમાં ન ગણીને એ ખાઈ લેતા હોય છે એ જ રીતે ઘણાં દારુ ન પીનારાઓ બિયરને દારૂમાં ન ગણીને એ ઠઠાડી લેતા હોય છે. એ રીતે વિશ્વમાં પાણી અને ચા પછી સૌથી વધુ પીવાતું કોઈ પીણું હોય તો એ બિયર છે.
વાઈનની જેમ જ બિયરમાં પણ આલ્હોકોલનું પ્રમાણ ખુબ નજીવુ હોય છે. ઘણાં કોઈ માન્યતાના આધારે પથરી ઓગાળવા પણ બિયર પીતાં હોય છે.
બિયર બનાવવાની પદ્ધતી પણ સરળ હોય છે જે Brewing તરીકે ઓળખાય છે. બિયર તુલનાત્મક રીતે દારૂના અન્ય પ્રકારો કરતાં ઓછી કડવી હોય છે. એ મુખ્યત્વે જવ-ઘઉંમાંથી બનાવવામાં આવે. આપણે ત્યાં જવજળની પરમિટેડ દુકાનોમાં સ્વાસ્થ્ય વર્ધક પીણા તરીકે વેચાતું જવજળ એ એક રીતે નોનઆલ્કોહોલિક બિયર જ છે. સામાન્ય રીતે ઘઉં કે જવમાંથી બનાવવામાં આવતા બિયરમાં જડીબુટ્ટીઓ અને ફળોની ફ્લેવર ભેળવીને એની વિવિધ વેરાયટીઓ તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં મળતી ફ્રૂટ બિયર એ જ છે.
- Advertisement -
ઈ.સ. પૂર્વે 9500થી અસ્તિત્વમાં : મેસોપોટેમિયન ગ્રંથોમાં ઉલ્લેખ
કહે છે કે માણસ અનાજની ખેતી કરતા શીખ્યો એ પછીથી બિયરનું અસ્તિત્વ એના જીવનમાં રહ્યું જ છે. ઉલ્લેખો મુજબ જોઈએ તો ઈ.સ. પૂર્વે 9500થી બિયર મળી આવે છે. એનો પહેલું દસ્તાવેજી પ્રમાણ પ્રાચીન મિસ્ર અને મેસોપોટેમિયાના ગ્રંથોમાં મળે છે. એના સ્થુળ પ્રમાણની વાત કરીએ તો આર્કિયોલોજીસ્ટને ઈઝરાયેલ નજીકના કારમેલ પહાડોની Raqefet નામની ગુફામાંથી 13 હજાર વર્ષથી એનું અસ્તિત્વ હોવાના પ્રમાણો મળી આવ્યા છે.
બિયર ફેસ્ટિવલ્સથી બિયર ટુરિઝમ સુધી પથરાયેલું પીણું
પશ્ચિમમાં અનેક સમાજમાં બિયર લોકોને જોડતું પીણું ગણાય છે. પબ ગેમ્સ, ડાર્ટ કે કાર્ડ ગેમ્સમાં બિયર અનિવાર્ય પીણું ગણાય છે અને બિયર પીવાની બિયર પોંગ જેવી રમતો પણ લોકપ્રિય છે. બિયરના અલાયદા બિયર ફેસ્ટિવલ્સ પણ થાય છે. બિયર પરનો અભ્યાસ ઝિથોલૉજી તરીકે ઓળખાય છે. જેમાં જોડાનારા સંશોધકોને વિવિધ પબ્સ અને બ્રાઉરિઝની મુલાકાત કરાવવામાં આવે છે. આ ઉપરાંત બિયર માટે જાણીતા અને બનાવતા સ્થળોની મુલાકાતનું અલગથી બિયર ટુરિઝમ પણ વિકસ્યું છે. હવે તો બિયરના બિઝનેસમાં એક નવું પ્રોફેશન પણ વિકસ્યું છે, જેમાં એક્સપર્ટ્સ રેસ્ટોરાંમાં કઈ વાનગી કે પીણાં સાથે કેવો બિયર પીરસી શકાય એનું નૉલેજ આપે છે.
(તસવીર : પ્રાચીન ઈજિપ્તમાં જે રીતે બિયર બનતો એ દર્શાવતું કેલિફોર્નિયાના એક ઈજિપ્શિયન મ્યૂઝિમમાં રહેલું એક શિલ્પ.)
(તસવીર : 16મી સદીની breweryનું એક ચિત્ર.)
વાઈન : વાઈન ઉચ્ચ વર્ગના સભ્ય લોકોનું પીણું
વાઈન મોટેભાગે ફળોમાંથી અને એમાં પણ ખાસ કરીને દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. દ્રાક્ષમાંથી બનતો વાઈન એટલે કે આસવનો આપણે ત્યાં દ્રાક્ષાસવ તરીકે પણ ઉલ્લેખ મળે છે. વાઈનની ક્વોલિટી અને સ્વાદનો આધાર એમાં વપરાયેલી દ્રાક્ષ જ્યાં ઉગાડવામાં આવી હોય એ જમીન, વરસાદ, સૂર્યપ્રકાશ અને દ્રાક્ષ તોડવાના સમય વગેરે પર આધારિત હોય છે.
જોકે, વાઈન દ્રાક્ષ ઉપરાંત અન્ય ફળોમાંથી પણ બનાવવામાં આવે છે. જેમાં સફરજન, દાડમ, ચેરી વગેરે મુખ્ય છે. વાઈન બનાવવા માટે ફળોના રસના લાંબા સમય સુધી સડાવવામાં આવે. વાઈન બનાવવાની પ્રક્રિયા ખુબ જ સાવચેતી અને સમય માગી લેતી હોવાથી તેની કિંમત પણ અન્ય શરાબ કરતા પ્રમાણમાં વધુ હોય છે.
રેડવાઈન, વ્હાઈટવાઈન, રોઝવાઈન, સ્પાર્કલિંગ વાઈન, ડેઝર્ટ વાઈન, ફ્રૂટવાઈન, હની વાઈન અને સ્ટાર્ચ બેઝ્ડ વાઈન એ વાઈનના કેટલાક મુખ્ય પ્રકારો છે. વાઈનમાં પણ રેડ વાઈન પ્રીમિયમ ગણાય અને એનું મહત્વ અદકેરું છે. પૌરાણિક ઈજિપ્તમાં રેડ વાઈનને લોહી સાથે સાંકળવામાં આવ્યો છે. ગ્રિક અને રોમન પરંપરાઓમાં રેડાવાઈનનું અનોખુ સ્થાન છે.
6000 વર્ષ જૂનો ઈતિહાસ : ભારતમાં ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ઉલ્લેખ
વાઈન એક ઐતિહાસિક દારૂ છે. ઈઝરાયેલ, જ્યોર્જિયા, ઈરાન અને ચીન સહિતના ઘણા દેશોમાં ઈ.સ. પૂર્વે 6000 વર્ષથી વાઈન બનતો હોવાના પ્રમાણો મળી આવે છે. અમુક સંસ્કૃતિઓના ઉત્સવો, શુભ કાર્યો અને સમૂહભોજનમાં વાઈન મહત્વનો હિસ્સો રહ્યો છે. વાઈન વિના એ બધું શક્ય જ ન બને, અધુરું ગણાય. અમુક ચર્ચોએ વાઈનને માન્યતા આપેલી અને બિયરનો નિષેધ કરેલો. કારણ કે વાઈન સભ્ય લોકોનું જ્યારે બિયર બર્બર લોકોનું પીણું ગણાતું હતું.
ઈટાલી, સ્પેન, ફ્રાન્સ, અમેરિકા અને ચીન વાઈનના સૌથી મોટા ઉત્પાદકો છે. ભારતમાં દ્રાક્ષમાંથી બનતા દારૂનો પ્રથમ ઉલ્લેખ ‘મધુ’ તરીકે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્ય અંગેના ચાણક્યના લખાણોમાંથી મળે છે. ભારત અને યૂરોપમાં અગાઉ મધમાંથી દારૂ બનાવવામાં આવતો. ચાણક્યએ જોકે અમુક સંજોગોમાં શરાબના ઉપયોગની ટીકા કરી હતી.
ઈન્વેસ્ટમેન્ટ વાઈન
જે રીતે સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટ વગેરે રોકાણના પરંપરાગત માધ્યમો કે સાધનો છે અને સોનું, જૂના સિક્કા, પેઈન્ટિંગ વગેરે આર્ટ એ બિનપરંપરાગત રોકાણના માધ્યમો છે એ જ રીતે વિશ્વમાં વાઈનનો પણ ઈન્વેસ્ટમેન્ટ માટે ઉપયોગ થાય છે. વાઈનમાં રોકાણ કરનારાઓ રેર કે લિમિટેડ એડિશનની વાઈનની બોટલ્સ બહુ ઊંચા ભાવે ખરીદે છે અને વર્ષો બાદ જ્યારે એનું વિન્ટેજ મૂલ્ય વધી જાય ત્યારે એને અનેકગણા ભાવે વેંચીને નફો કમાય છે. પરંપરાગત રીતે વાઈનમાં રોકાણ કરનારાઓ જે તે વાઈનની ત્રણ, છ, નવ, બાર કે તેર બોટલનો સંગ્રહ કરે છે. આવા વાઈનની ખરીદી અને વેંચાણ માટે વેપારીઓ, કન્સલ્ટન્ટ, એક્સપર્ટ્સ અને બ્રોકર્સની પણ દુનિયા કાર્યરત છે. વિશ્વની 90 ટકા ઈન્વેસ્ટમેન્ટ વાઈન્સ ફ્રાન્સની જ હોય છે. કારણ કે વાઈનમાં પ્રાંતનું પણ ખુબ મહત્વ રહેલું હોય છે.
બ્રર્નડ્ વાઈન એટલે બ્રાન્ડી
બ્રાન્ડી પણ વાઈનનો જ એક પ્રકાર રહી શકાય. બ્રાન્ડી એ બર્નડ્ વાઈનનું શોર્ટ ફોર્મ છે. જોકે, ઈસ્ટર્ન યૂરોપ, અમેરિકા અને કેનેડામાં કયા પ્રકારના પીણાંને બ્રાન્ડી કહી શકાય અથવા તો એની બોટલ પર બ્રાન્ડી છાપી શકાય એ માટેના પોતપોતાના અલગ અલગ નિતિનિયમો છે.
(તસવીર : 14મી સદીમાં આ રીતે પગેથી કચડીને દ્રાક્ષનો રસ કાઢવામાં આવતો અને એમાંથી વાઈન બનાવવામાં આવતો.)
(તસવીર : આર્મેનિયામાં આવેલી આ Areni-1 નામની ગુફા વિશ્વની સૌથી જૂની વાઈનરી માનવામાં આવે છે.)
શેમ્પેઈન : આ સ્પાર્કલિંગ વાઈનનું પારણું ફ્રાન્સના શેમ્પેઈન જિલ્લામાં ઝુલેલું
શેમ્પેઈન એટલે એક પ્રકારની સ્પાર્કલિંગ વાઈન. જે વિવિધ પ્રકારના દ્રાક્ષના સેકન્ડરી ફર્મેન્ટેશનથી તૈયાર થાય. એના કારણે એમાં થોડો ગેસ પણ પેદા થાય, ફિણ પણ વળે. સેલિબ્રેશન વખતે શેમ્પેઈનની બોટલ ખોલીને જે ફૂવારો કરવામાં આવે એ આ બધા ગુણોને જ આભારી છે.
આ ડ્રિંકની શરૂઆત ફ્રાન્સના શેમ્પેઈન જિલ્લામાંથી થઈ હોવાથી તે શેમ્પેઈન તરીકે ઓળખાય છે. એટલે જ યૂરોપના કેટલાક દેશોમાં જે સ્પાર્કલિંગ વાઈન ફ્રાન્સના શેમ્પેઈન વાઈન રિજનમાંથી ન આવેલી હોય એની બોટલ પર શેમ્પેઈન છાપવું ગેરકાયદેસર છે. શેમ્પેઈનમાં દ્રાક્ષના મોટા બગીચાઓ આવેલા છે. નોર્થ-ઈસ્ટ ફ્રાન્સમાં આ બગીચાઓ રોમનોએ સ્થાપેલા.
શેમ્પેઈન પ્રાંતમાં 100થી વધુ શેમ્પેઈન હાઉસ છે અને 19 હજાર દ્રાક્ષના ઉત્પાદકો છે. જેમના દ્રાક્ષના બગીચા 32 હજાર હેક્ટરમાં પથરાયેલા છે.
‘શેતાનની બાટલી’માંથી અકસ્માતે થયેલો ઉદભવ
સ્પાર્કલિંગ વાઈન એટલે કે શેમ્પેઈનનો ઉદભવ અકસ્માતે થયેલો. ફ્રાન્સમાં વાઈનની જે બોટલ ઉભરાય એ ‘ધ ડેવિલ્સ વાઈન’ એટલે કે ‘શેતાનની બાટલી’ કહેવાતી. (અહીં એ પણ ઉલ્લેખનિય છે કે ચર્ચમાં પવિત્ર વાઈનનો ઉપયોગ થાય છે. એટલે અંધશ્રદ્ધાના કારણે ઉભરાઈ જતી બોટલને ડેવિલ્સ એટલે કે શેતાનની કહી હશે. આપણે ત્યાં નાળિયેર અંદરથી ખરાબ નીકળે એ સારું નથી મનાતું એવું જ કંઈક.) 1844માં એક વાર આ જ રીતે બોટલમાંથી વાઈન ઉભરાયો અને ઉભરાના કારણે બોટલ પણ ફૂટી ગઈ અને અડોલ્ફ નામના વ્યક્તિને એમાંથી આવી ઉભરા આવતી વાઈન એટલે કે શેમ્પેઈન બનાવવાનો વિચાર આવ્યો.
શેમ્પેઈન એ માત્ર પીણું જ નહીં, પણ પોતે એક સંસ્કૃતિ છે, એનું નામ રાખવાના પણ આંતર રાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલા નિતિનિયમો છે. એટલું જ નહીં, પણ ઉજવણી વખતે એની બોટલ હલાવવાથી માંડીને ફોડવા સુધીની ટેકનિક્સ કોઈ કળા જેટલું મહત્વ ધરાવે છે.
(તસવીર : ફ્રાન્સના શેમ્પેઈન પ્રાંતનું એક ગામડું.)
(તસવીર : Jean François de Troy નામના ચિત્રકારનું 1735નું Le Déjeuner d’Huîtres નામનું પેઈન્ટિંગ. કહે છે કે શેમ્પેઈન સૌથી પહેલીવાર આ ચિત્રમાં જોવા મળેલી.)
વ્હીસ્કી : જોન ‘જૉની’ વૉકર વ્હીસ્કીની પહેલા ચાનું બ્લેન્ડિંગ કરતાં!
વ્હીસ્કી વિશ્વમાં સૌથી વધુ પીવાતો દારૂનો પ્રકાર છે. જે મુખ્યત્વે જવ, ઘઉં, મકાઈ કે રાઈમાંથી બને છે. જે એક જ ડિસ્ટલરીમાંથી આવેલી હોય તે સિંગલ વ્હીસ્કી તરીકે ઓળખાય. જો એમાં મૉલ્ટેડ જવનો ઉપયોગ થયો હોય તો એને સિંગલ મૉલ્ટ કહેવાય. જો એમાંથી એકથી વધુ ડિસ્ટલરીની વ્હીસ્કી આવેલી હોય, પણ એ તમામ મૉલ્ટેડ જવની જ હોય તો એ બ્લેન્ડેડ મૉલ્ટ કહેવાય. તમામ આલ્કોહોલિક પીણાઓમાં વ્હીસ્કી એક એવું બેવરેજ છે કે જેની શુદ્ધતા અને પ્રકારોના વિશ્વભરમાં સૌથી વધારે અને આકરા નિતિનિયમો ઘડવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્હીસ્કીને લાકડાના બેરલ્સમાં એજ (સંઘરી રાખવાની પ્રક્રિયા) કરવામાં આવે છે. વ્હીસ્કીમાં આલ્કોહોલનું પ્રમાણ અપવાદો બાદ કરતાં સૌથી વધુ એટલે કે 40થી માંડીને 68 ટકા જેટલું હોય છે.
પીવાના શોખિન નહીં હોય એમનાથી પણ જોની વૉકર નામ કે બ્રાન્ડ અજાણી નહીં હોય. રસપ્રદ ફેક્ટ એ છે કે 18મી સદીમાં સ્કૉટલેન્ડમાં જોન ‘જૉની’ વૉકર વ્હીસ્કીના બ્લેન્ડિંગ પહેલા ચાના બ્લેન્ડિંગમાં મહારથ ધરાવતા હતા. એક વાર એવું બન્યું કે જાણીતા વિક્ટોરિયન ઈલસ્ટ્રેટર ટોમ બ્રાઉનીએ એક ભોજન દરમિયાન રેસ્ટોરાંના મેનું પર એક ચિત્ર દોર્યું અને લૉર્ડ સ્ટિવસનને આપ્યું. સ્ટિવસન જોની વૉકરના ડિરેક્ટર્સ પૈકીના એક હતા. આજે તમે જૉની વૉકરની બૉટલ પર પેલા માથે ટોપી અને હાથમાં સોટી સાથે ચાલતા વ્યક્તિનું જે ચિત્ર જુઓ છો એ એ જ ચિત્ર જે પેલા આર્ટિસ્ટે રેસ્ટોરાંના મેનું પર દોરેલું.
ચીઝના બદલે વ્હીસ્કી અને ‘એન્જલ્સ શેર’!
કેટલાક લેટિન અમેરિકન દેશોમાં ફોટો પડાવતી વખતે લોકો હસીને ચીઝ નહીં, પણ વ્હીસ્કી બોલે છે. વ્હીસ્કી એજિંગ એટલે કે સંઘરી રાખવાની પ્રક્રિયા દરમિયાન એના બેરલમાંથી વર્ષે 2 ટકા જેટલુ પીણું ઉડી જતું હોય છે. એ ‘એન્જલ્સ શેર’ તરીકે ઓળખાય છે.
ટેસ્લાનો વ્હીસ્કી પ્રેમ, બ્રાઉન વોડકા અને કિકોરી વ્હીસ્કી
સર નિકૉલા ટેસ્લા રોજ વ્હીસ્કી પીતાં હતા. એમનું માનવું હતું કે એવું કરવાથી તેઓ 150 વર્ષ સુધી જીવશે. કેનેડિયન વ્હીસ્કી એક સમયે ‘બ્રાઉન વોડકા’ તરીકે ઓળખાતી હતી. કિકોરી નામની જાપાની વ્હીસ્કી 100 ટકા ચોખામાંથી બને છે.
અંતરિક્ષ સુધી પહોંચેલું અલબામાનું સ્ટેટ બેવરેજ
વ્હીસ્કી અલબામાનું સ્ટેટ બેવરેજ છે. એર્ડબેગે વ્હીસ્કીને અંતરિક્ષમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલી હતી. એ જાણવા માટે કે ઝીરો ગ્રેવિટીની એની મેચ્યોરિટી પ્રોસેસ પર કેવી અસર થાય છે. જો આના વિશે જાણેત તો – ‘અમે તારા ભક્તો અમે બહાર રહીએ?, જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા…’ – જેવો શેર લખનારા મરિઝ એ ગઝલમાં ચોક્કસ એક પંક્તિ એવી ઉમેરેત કે – ‘અંતરિક્ષ લગ પણ હવે તો પહોંચી મદિરા…’ હોવ…
‘માઉન્ટેન ડ્યૂ’ વ્હીસ્કી મિક્સર તરીકે જ ડેવલપ થયેલું
ટેન્નેસ બોટલર્સના ડેવલપર્સે 1940માં માઉન્ટેન ડ્યૂ વ્હીસ્કી મિક્સર તરીકે જ ડેવલપ કરેલું. 1940ના દાયકામાં વ્હીસ્કીમાં ભેળવવા યોગ્ય સોડા કે સોફ્ટ ડ્રિંકની તલાશના ભાગરૂપે બનતાં બનતાં માઉન્ટેન ડ્યૂ બની ગયેલું. 1948માં સોફ્ટડ્રિંક તરીકે માઉન્ટેન ડ્યૂ નામનો ટ્રેડ માર્ક રજિસ્ટર થયો.
સ્કૉચ : બ્રિટનના અર્થતંત્રમાં 5 બિલિયન પાઉન્ડનો ફાળો
સ્કૉચ પણ એક પ્રકારની વ્હીસ્કી જ છે. જેનું ઉત્પાદન સ્કૉટલેન્ડમાં થાય છે. સ્કૉટલેન્ડના નિયત પ્રદેશો બહારની ડિસ્ટલરીની વ્હીસ્કીને સ્કૉચ વ્હીસ્કી તરીકે પ્રસ્તુત ન કરી શકાય. જોકે, આને લગતા અન્ય પણ ઘણા નિતિનિયમો છે. જેમ કે રિયલ સ્કૉચ વ્હીસ્કી એ જ કહેવાય જે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી બેરલમાં સંગ્રહવામાં આવી હોય. સ્કૉટલેન્ડના વાતાવરણ અને પાણી વગેરેના કારણે સ્કૉચ વ્હીસ્કી અન્ય વ્હીસ્કી કરતાં સ્વાદ અને સુગંધની દૃષ્ટિએ અલગ પડતી હોય છે. બીજી એક હકીકત એ પણ છે કે એ જ વ્હીસ્કીનું એજિંગ જો ભારતમાં કરવામાં આવે તો એ સ્કૉટલેન્ડ કરતા ઝડપથી મેચ્યોર થઈ જાય. એ દૃષ્ટિએ ભારતની અમૃત અને જોન પૉલ જેવી બ્રાન્ડ્સની વ્હીસ્કી ભારતમાં બનતી હોવા છતાં હવે વિશ્વમાં ડંકો વગાડી રહી છે. સ્કૉચનો પહેલો ઉલ્લેખ 1495માં જૉન કોર નામના એક તપસ્વીએ કરેલો. જે પોતે એક ડિસ્ટિલર (વ્હીસ્કી ઉત્પાદક) હતો.
સ્કૉટલેન્ડમાંથી દર સેકન્ડે અંદાજે 42 બોટલ સ્કૉચ વ્હીસ્કી એક્સપોર્ટ થાય છે. સ્કૉટલેન્ડની વસતિ અંદાજે 5.4 મિલિયન છે અને એ લોકો 20 મિલિયન બેરલ (કેસ્ક્સ) સ્કૉચ ઉત્પાદિત કરે છે. માથાદિઠ ચાર બેરલ આવે. એક અંદાજ મુજબ 2019માં ત્યાંના સ્કૉચ એક્સપોર્ટર્સ દર સેકન્ડે 156 પાઉન્ડની કમાણી કરતાં હતાં. બ્રિટનના અર્થતંત્રમાં સ્કૉચ વ્હીસ્કીનો ફાળો લગભગ 5 બિલિયન પાઉન્ડ જેટલો છે. જો સ્કૉટલેન્ડમાં રહેલા વ્હીસ્કીના તમામ બેરલ્સને ઉપરાછાપરીના બદલે એક લાઈનમાં પાથરી દેવામાં આવે તો એ લાઈનની લંબાઈ 30 હજાર કિલોમિટર થાય. એડિનબર્ગથી ન્યૂયોર્કના અંતરથી છ ગણી. 1862ની સૌથી જૂની સ્કૉચની બોટલ 2017માં ખોલવામાં આવી. જેનું પ્રત્યેક રેર ટીપુ 50 સ્વિસવૉચમાં સંગ્રહવામાં આવ્યું અને એ વૉચ 35 હજાર પાઉન્ડથી વધુના ભાવે વેંચાઈ.
રમ : બહુ ગરમ, વાગ્ભટ્ટે કેરીના રસ સાથે પીવાની સલાહ આપેલી
રમ શેરડીમાંથી બને. રમની તાસિર ગરમ હોવાથી એ મોટેભાગે શિયાળામાં પીવામાં આવે છે. મોટાભાગનો રમ કેરેબિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં બને છે, પણ શેરડીનું જ્યાં વધુ ઉત્પાદન થતું હોય એવા ફિલિપાઈન્સ અને ભારત જેવા દેશો પણ એમાં પાછળ નથી. ભારતનો ઓલ્ડ મોન્ક રમ તો ઈન્ટરનેશનલ લેવલે ધુમ મચાવે છે. નેપાળીઓ જે ખુકરી રમ પીવે છે એ પણ મૂળ આપણે ત્યાંની ઓલ્ડ મોન્ક જ બનાવે છે. રમ વેસ્ટ ઈન્ડિઝ અને કેનેડાના અમુક પ્રાંતમાં તો સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. બ્રિટનની રોયલ નેવી માટેનો ખાસ રમ પણ ખુબ પ્રસિદ્ધ છે.
રમનો સૌથી જૂનો ઉલ્લેખ ભારતમાં મળે છે. સાતમી સદીમાં ભારતીય આયુર્વેદાચાર્ય વાગ્ભટ્ટે મિત્રો સાથે મળીને કેરીના રસની સાથે રમ અને વાઈન ભેળવીને ઉજાણી કરવાની સલાહ આપેલી. અન્ય સંસ્કૃત લખાણોમાં પણ શેરડીના રસમાંથી બનતા આસવનો ઉલ્લેખ મળે છે.
ગુલામીપ્રથા ચાલુ હતી ત્યારે ગુલામો ખરીદવા-વેચવા માટેના ચલણ તરીકે રમ ભરેલા બેરલ્સ વપરાતા.
(તસવીર : ગુલામો ખરીદવા રમનું બેરલ લઈને જતો ચાંચિયો, ‘ધ પાઈરેટ્સ ઓન બુક’નું ચિત્ર.)
વોડકા : પાની દા રંગ…
વોડકા મોટેભાગે ઘઉં, જવ, બટેટા કે બીટના ચૂરામાંમાંથી બને. વોડકામાં મોટોભાગ પાણી અને ઈથેનોલનો હોય છે. એનો રંગ પણ મોટેભાગે પાણી જેવો જ હોય છે. તમે અનફ્લેવર્ડ પ્લેન વોડકાની બોટલ ખરીદીને બિસલેરીની બોટલમાં ભરો તો એ શુદ્ધ પાણી જેવો દેખાશે. રશિયન ભાષામાં ‘વદા’ એટલે પાણી, એ વદા પરથી વોડકા શબ્દ ઉતરી આવ્યો છે. સામાન્યત: રંગહિનતાના કારણે વોડકા વિવધ પ્રકારના કૉકટેઈલમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમાં બ્લડી મેરી, સ્ક્રૂ ડ્રાઈવર, સેક્સ ઓન ધ બિચ, મૉસ્કો મોલ, વ્હાઈટ રશિયન અને બ્લેક રશિયન મુખ્ય છે.
1890થી નિયત થયેલા ધોરણો મુજબ વોડકામાં મિનિમમ 40 ટકા આલ્કોહોલ હોવો જોઈએ. યૂરોપીયન યુનિયને એમાં મિનિમન આલ્કોહોલનું લેવલ 37.5 ટકા ઠેરવ્યું છે. અમેરિકામાં નિયમ છે કે વોડકામાં આલ્કોહોલનું મિનિમમ પ્રમાણ 40 ટકા હોવું જોઈએ.
વિશ્વના વોડકા બેલ્ટ એટલે કે રશિયા, યુક્રેન, સ્વિડન, પોલેન્ડ, નોર્વે, ફિનલેન્ડ અને બેલારુસ વગેરેમાં વોડકા પાણી ભેળવીને નહીં, પણ નિટ પીવાનું ચલણ છે. એને ચિલ્ડ સર્વ કરવામાં આવે છે. વોડકા ઠંડા પાણી અથવા જીન સાથે ભેળવીને પીવામાં સારો સ્વાદ આપે છે. આપણે ત્યાં વોડકામાં લીંબુ નાંખીને કે સ્પ્રાઈટ કે ફેન્ટા નાંખીને પણ પીવામાં આવે છે.
રસોઈમાં વોડકા
વોડકાનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવામાં પણ થાય છે. 1970ના દાયકામાં પાસ્તામાં વપરાતો અને ટામેટા સોસ, ક્રિમ અને વોડકામાંથી બનતો પાસ્તા સોસ ખુબ જ લોકપ્રિય થયેલો. અમુક બેકરીઓમાં પાણીની અવેજીમાં વોડકા વાપરવામાં આવે છે.
(તસવીર : રશિયાની એક હાઈપરમાર્ટમાં રહેલુ વોડકાનું અલાયદુ લાર્જ સેક્શન.)
(તસવીર : રશિયાના લેનિનગ્રાદમાં આવેલું વોડકા મ્યુઝિયમ.)
જીન : મૂળ મેડિકલ લિકર
જીન મૂળે મેડિકલ લિકર. જેને યુરોપમાં અને ખાસ કરીને સાઉથ ફ્રાન્સમાં વેદો અને સાધુઓ બનાવતા અને દર્દીઓને એ ટૉનિક એક્વાવિટા તરીકે પીવડાવવામાં આવતું. જે દ્રાક્ષ અને અન્ય અનાજોમાંથી તૈયાર થતું. જીનનો ઈતિહાસ એવો છે કે 16મી કે 17મી સદીમાં મૂળ ધરાવતું અને juniper berries નામના દ્રાક્ષ જેવા ફળમાંથી બનતું આ પીણું અગાઉ માત્ર મેડિકલી જ વપરાતું હતું, પછી જીન બેઝ્ડ આલ્કોહોલિક ડ્રિંક્સ બનવા લાગ્યાં.
ટકિલા : મેક્સિકોના ટકિલા શહેરમાં બને
ટકિલાનું જનક મેક્સિકો. મેક્સિકોના ટકિલા શહેર અને આસ-પાસના વિસ્તારમાં Blue Agaveના 300 મિલિયન છોડ છે. ટકિલા શહેરના એ છોડમાંથી બનતું પીણું હોવાથી એ ટકિલા તરીકે ઓળખાય છે. એની શરૂઆત ટકિલામાં જ 16મી સદીમાં થયેલી.
ફેની : કાજુ અને નાળિયેરમાંથી બનતું ગોવાનું હેરિટેજ પીણું
ફેની ગોવામાં બને. મોટેભાગે એમાં કાજુ અને નાળિયેરનો જ ઉપયોગ થાય. ફેની શબ્દ મૂળ સંસ્કૃતના ફીણ અર્થ ધરાવતા શબ્દ પરથી જ ઉતરી આવ્યો છે. ફેનીનું માર્કેટ હજુ અનઓર્ગેનાઈઝ્ડ છે. 2016માં ગોવા સરકારે ફેનીને હેરિટેજ બનાવવાની દિશામાં કાર્યો શરૂ કરી દીધેલા. ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પાર્સેકરે કહેલું કે ફેની અમારી સંસ્કૃતિનો એક ભાગ છે. ગોવા સરકારે ટુરરિસ્ટોને ફેની બનવાની પ્રોસિઝર નિહાળી શકે એ માટેની સુવિધાઓ ગોઠવી છે.
(તસવીર : લીલા કાજુને આ રીતે કચડીને ફેની માટેની સામગ્રી તૈયાર કરે.)
ફ્રી હિટ :
ગુજરાતીઓના દેશમાં દારૂ પીવાતો નથી એ સરકારી સત્ય છે. ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને એક હોજમાં ભરવામાં આવે તો એમાં ગાંધીનગરનું આખું સચિવાલય ડૂબી જાય.
– ચંદ્રકાંત બક્ષી