ટ્રમ્પે કહ્યું- ટેરિફનો લાભ, ગરીબ અમેરિકનોને મળશે 2000 ડોલર: સરકાર 37 ટ્રિલિયન ડોલરનું દેવું ચૂકવશે: ટેરિફનો વિરોધ કરનારા લોકો ‘મૂર્ખ’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટેરિફ નીતિ વિશ્ર્વભરમાં ચર્ચાનો વિષય રહી છે. જ્યારે અમેરિકામાં પણ તેનો વિરોધ શરૂ થયો, ત્યારે ટ્રમ્પે તેનો સખત બચાવ કર્યો અને વિરોધીઓ પર નિશાન સાધ્યું. રવિવારે, ટ્રમ્પે વિરોધ કરનારાઓને ‘મૂર્ખ’ ગણાવ્યા. આ સાથે, તેમણે દાવો કર્યો કે ટેરિફના કારણે અમેરિકા વિશ્ર્વનો સૌથી સમૃદ્ધ અને આદરણીય દેશ બન્યો છે, જ્યાં લગભગ કોઈ મોંઘવારી નથી.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, ‘ટેરિફથી અમેરિકા ટ્રિલિયન ડોલર કમાઈ રહ્યું છે અને આ જ પૈસાથી દેશ જલ્દી પોતાનું દેવું ચૂકવવાનું શરૂ કરશે. તેમજ તમામ અમેરિકનોને ઓછામાં ઓછા 2,000 ડોલરનું ડિવિડન્ડ આપવામાં આવશે.’ જોકે આ રકમ ઊંચી આવકવાળા લોકોને નહીં મળે. વિશ્ર્વને પોતાના ટેરિફથી ડરાવનારા ડોનાલ્ડ ટ્રમ્પ, આ નીતિથી અમેરિકાને મળતા ફાયદાઓ સતત ગણાવી રહ્યા છે. ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પરની પોતાની તાજેતરની પોસ્ટમાં, તેમણે પોતાની વેપાર નીતિને પ્રોત્સાહન આપ્યું. ટ્રમ્પે દાવો કર્યો કે, ‘તેમના નેતૃત્વને કારણે અમેરિકા વિશ્ર્વનો સૌથી ધનવાન અને સન્માનિત દેશ બન્યો છે, જ્યાં રેકોર્ડ સ્ટોક મૂલ્યો, ઊંચું 401(ઊં) (નિવૃત્તિ બચત યોજનાઓ) બેલેન્સ અને ફેક્ટરીઓમાં દરેક જગ્યાએ વૃદ્ધિ જોવા મળી રહી છે.’ અમેરિકાની આર્થિક મજબૂતી માટે ટેરિફને મુખ્ય પરિબળ ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પે તેનો બચાવ કર્યો. આ સાથે જ, તેમણે ટેરિફના વિરોધીઓ અને ટીકાકારો પર પણ નિશાન સાધ્યું. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું કે, ‘જે લોકો ટેરિફની વિરુદ્ધ છે, તેઓ મૂર્ખ છે!’ અમેરિકન પ્રમુખએ દલીલ કરી કે ટેરિફે રોકાણ અને રોજગારની તકોને વેગ આપ્યો છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે એબીસી ન્યૂઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પના દાવાઓ પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે આ ડિવિડન્ડ અંગે ચર્ચા કરી નથી, પરંતુ આ રકમ ટેક્સ કાપના રૂપમાં આવી શકે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, બેસન્ટનું ધ્યાન દેવાની ચુકવણી પર છે, સીધા ચેક વિતરણ પર નહીં. ઓગસ્ટમાં, તેમણે સીએનબીસીને જણાવ્યું હતું કે ટેરિફ આવક 38.12 ટ્રિલિયન દેવું ઘટાડવામાં મદદ કરશે.
- Advertisement -
ટ્રમ્પની યોજના દેવું વધારી શકે છે: ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ
સપ્ટેમ્બરના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના નિવેદન મુજબ, નાણાકીય વર્ષ 2025 માં ટેરિફથી માત્ર 195 બિલિયનની આવક થઈ હતી. જો પ્રતિ વ્યક્તિ 2,000 ડોલર (આશરે 250 મિલિયન બિન-ધનવાન અમેરિકનોને) વહેંચવામાં આવે, તો ખર્ચ લગભગ 500 બિલિયન થશે, જે વર્તમાન આવક કરતાં ઘણો વધારે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ યોજના અમેરિકાનું દેવું ઘટાડવાને બદલે વધારી શકે છે.



