પોલીશ્ડ – લેબગ્રોન હીરા પર 26 ટકા, ગોલ્ડ જવેલરી પર 31.5થી 33 ટકા, સિલ્વર જવેલરી પર 31થી 32 ટકા ડયુટી
અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ કરતા સુરતના હીરા અને જવેલરી ઉદ્યોગ માટે પડતા ઉપર પાટુ જેવો ઘાટ થાય તેમ છે. કેમ કે, અમેરિકાએ ભારતથી આયાત થતા હીરા અને જવેલરી પર નવી કસ્ટમ ડયુટીઝ લાગુ કરવાની જાહેરાત કરી છે. 9 એપ્રિલ 2025થી અમલમાં આવનારી આ નવી ડયુટીને કારણે ભારતથી નિકાસ થતા હીરા અને જવેલરી ઉપર 33 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવશે. એક અહેવાલ અનુસાર, અમેરિકાએ પોલિશ્ડ હીરા પર ડયુટી 0%થી વધારીને 26%, લેબગ્રોન હીરા પર 0%થી 26%, અને ગોલ્ડ જવેલરી પર 7% વધારીને 31.5%થી 33% નકકી કરી છે. આ ઉપરાંત સિલ્વર જવેલરી અને જેમસ્ટોન જવેલરી પર વર્તનામ ડયુટી 5%થી 6%ને 31%થી 32% સુધી વધારવામાં આવી છે. આ ફેરફારો ભારતીય ડાયમંડ નિકાસકારો અને જવેલરી ઉત્પાદકો માટે ગંભીર પડકારો ઉભા કરી શકે છે.
- Advertisement -
સુરત ડાયમંડ એસોસિએશનનું પણ માનવું છે કે, ભારત વૈશ્વિક સ્તરે પોલિશ્ડ હીરાના ઉત્પાદનમાં અગ્રેસર છે અને અમેરિકા તેનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ નવી ડયુટીઝના કારણે ભારતીય હીરા અને જવેલરીની સ્પર્ધા ઘટવાની શકયતા છે, જેની સીધી અસર નિકાસના ઉપર પડી શકે છે. નિકાસ ઝડપથી ઘટે તેવું લાગી રહ્યું છે. ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે, આ નવી ડયુટીઝથી નિકાસમાં ઘટાડો થશે, જેની અસર લાખો કારીગરો અને કામદારોની રોજગારી પર પડી શકે છે. આમ પણ હાલમાં છેલ્લા બે વર્ષથી સમગ્ર હીરા ઉદ્યોગ ખુબ જ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. તેમાં આ ટેરિફ વોર મોટી મુસીબત સર્જશેએ નકકી દેખાય રહ્યું છે.
જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકા ભારતીય હીરા અને જવેલરી ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર છે. આ નવી ડયુટીઝથી અમારા ઉદ્યોગને મોટું નુકશાન થશે. અમે સરકારને આ મુદ્દે અમેરિકા સાથે ચર્ચા કરવા અને રાહત પગલા લેવા માટે વિનંતી કરીશું’.
હીરા અને જવેલરીના નવા બજાર શોધવાની મજબૂરી
સુરતના ઉદ્યોગકારો માને છે કે, આ નવી નીતિના કારણે ભારતીય હીરા અને જવેલરી ઉદ્યોગને વૈકલ્પિક બજારો શોધવાની જરૂર પડી શકે છે, જેમ કે યુરોપ અને એશિયાના દેશો. જોકે, આ બજારોમાં પણ સ્પર્ધા તીવ્ર છે, જે ભારતીય નિકાસકારો માટે વધુ પડકારો ઉભા કરી શકે છે.
- Advertisement -
આ ઉપરાંત, લેબગ્રોન હીરાની વધતી માંગને પહોંચી વળવા માટે ભારતે નવી ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન આપવું પડશે. હાલના સંજોગોમાં ઉદ્યોગ માટે ખૂબ જ કપરી સ્થિતિ સર્જાય તેવું નકારી શકાય તેમ નથી.