ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વિદેશ વિભાગે રવિવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને ટાંકીને તેના ટ્રાવેલ એલર્ટ પેજ પર ‘વિશ્વવ્યાપી સાવધાન’ પોસ્ટ કર્યું.
ટ્રમ્પે અમેરિકાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે વિશ્વભર માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું છે. પોતાના ટ્રાવેલ એલર્ટ પેજ પર ટ્રમ્પે અમેરિકાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ ગઈકાલે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલા કર્યા બાદ સાવચેતીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે આ એડવાઈઝરી જાહેર કરી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. જેથી આ હવાઈ માર્ગે થઈ રહેલી મુસાફરીમાં અડચણો વધી છે. અમેરિકાના નાગરિકો અને તેમના હિતની વિરૂદ્ધમાં ઈરાનની સંભવિત કાર્યવાહીથી એલર્ટ રહેવા પણ અપીલ છે. અમેરિકાના વિશ્વભરમાં વસતાં પ્રત્યેક નાગરિકે સાવચેતીપૂર્વક ટ્રાવેલ એડવાઈઝરી, દેશની વિગતો અને મુસાફરી સમયે ધ્યાનમાં રાખવા જેવા સિક્યોરિટી એલર્ટની નોંધ લેવા અપીલ છે.
ડિપાર્ટમેન્ટે ઈઝરાયલ અને વેસ્ટ બેન્ક પર અપડેટ આપતાં જણાવ્યું હતું કે, જેરૂસલેમમાં એમ્બેસી અને તેલ અવીવની બ્રાન્ચ ઓફિસ આજે 23 જૂનના રોજ ઈમરજન્સી યુએસ પાસપોર્ટ સેવાઓ માટે ખુલ્લી રહેશે નહીં. અમેરિકાના જે નાગરિકો ઈઝરાયલ તથા વેસ્ટ બેન્ક છોડી વતન પરત ફરવા માગે છે, તેઓ જે-તે ઉપલબ્ધ પ્રથમ વિકલ્પ અપનાવે. કારણકે, બેન ગુરિયન એરપોર્ટ બંધ છે.
- Advertisement -
વિદેશમાં વસતા અમેરિકન્સ ધ્યાનમાં લે
સ્થાનિક પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરો: સુરક્ષા જોખમો પર રીઅલ-ટાઇમ અપડેટ્સ માટે travel.state.gov પર દેશ આધારિત ટ્રાવેલ એડવાઈઝરી ચકાસો. એલર્ટ પ્રાપ્ત કરવા અને કટોકટી સંપર્કને સરળ બનાવવા માટે step.state.gov પર સ્માર્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામ (STEP) માં રજિસ્ટ્રેશન કરાવો.
વ્યક્તિગત સલામતી જાળવી રાખો: સાઉદી અરેબિયામાં યુએસ દૂતાવાસના સિક્યોરિટી એલર્ટ અનુસાર, સલામત સ્થળો ઓળખી, ઈમરજન્સી કોન્ટેક્ટ અપડેટ રાખો. ફોન પણ ચાર્જ રાખો. જેથી અણધારી આફત અને કટોકટીથી બચવાનો માર્ગ મળી શકે.
જોખમી સ્થળોથી દૂર રહો: ઇઝરાયલમાં રાજદ્વારી માઇક હુકાબી દ્વારા જાહેર કરાયેલા સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લો. તેમજ જોખમી સ્થળો ખાલી કરી સુરક્ષિત સ્થળે જવા ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરો. ફ્લાઇટ્સ અથવા ક્રુઝ જહાજો માટે યુએસ દૂતાવાસનો સંપર્ક કરો.
આટલું ન કરવા સલાહ
જોખમી વિસ્તારોમાં મુસાફરી ન કરો: સશસ્ત્ર સંઘર્ષ, આતંકવાદ અને નાગરિક અશાંતિને કારણે ઇઝરાયલ, ઇરાક અથવા ઈરાનની મુસાફરી ટાળો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ સ્પષ્ટપણે ઈરાનની મુસાફરી સામે એલર્ટ જાહેર કર્યું છે, ત્યાં હાજર લોકોને સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવાની સલાહ છે.
મોટા મેળાવડા ટાળો: વિરોધ પ્રદર્શનો અથવા ભીડથી દૂર રહો,ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુએસ નાગરિકો અથવા હિતોને લક્ષ્ય બનાવવાની ભીતિ વધી છે.
બંધ એરસ્પેસને અવગણશો નહીં: ઇઝરાયલ અથવા ઈરાન જેવા બંધ એરસ્પેસવાળા પ્રદેશોમાં હવાઈ મુસાફરીનું આયોજન કરવાનું ટાળો, જ્યાં કોમર્શિયલ ફ્લાઇટ્સ મર્યાદિત છે.