જન્મતાંની સાથે જ US નાગરિકતા મેળવવાનો અધિકાર હું સમાપ્ત કરીશ
ખાસ-ખબર ન્યૂઝ વોશિગ્ટન
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવાની પોતાની યોજનાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ડ્રીમર્સ ઈમિગ્રન્ટ્સની સુરક્ષા માટે પગલાં લેવાની વાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ડ્રીમર્સ ઈમિગ્રન્ટ્સ એવા ઈમિગ્રન્ટ્સ છે જે બાળપણમાં અમેરિકા આવ્યા હતા અને તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. ટ્રમ્પે કહ્યું કે ઓફિસમાં તેમના પ્રથમ દિવસે જ તેઓ જન્મ સમયે અમેરિકન નાગરિકતાના અધિકારને હટાવી દેશે. અમેરિકી બંધારણના 14મા સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે. ભલે તેના માતાપિતા કોઈપણ દેશની નાગરિકતા ધરાવતા હોય.
ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે નાટો વિશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તે તેનાથી ખસી જવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. તેમણે એ પણ વચન આપ્યું હતું કે તે ગર્ભપાતની ગોળીઓ પર પ્રતિબંધ મૂકશે નહીં. ટ્રમ્પે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ બન્યા બાદ ફેડરલ રિઝર્વ (સેન્ટ્રલ બેંક)ના ચેરમેન જેરોમ પોવેલને પદ છોડવા માટે કહેવાની તેમની કોઈ યોજના નથી. ટ્રમ્પે વચન આપ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ કેપિટલ હિલ કેસના ગુનેગારોને માફ કરવા માટે પગલાં લેશે. ટ્રમ્પ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા પછી 6 જાન્યુઆરી, 2021ના રોજ તેમના કેટલાક સમર્થકો કેપિટલ હિલ (યુએસ સંસદ)માં પ્રવેશ્ર્યા અને લૂંટફાટ કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પની ઘણી યોજનાઓને કોર્ટમાં મુશ્ર્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય નાટોથી અલગ થવાની તેમની યોજના અમેરિકન છાવણીના દેશોમાં બેચેની પેદા કરી શકે છે.