ગેરકાયદે વિદેશીને રાખવા ડિટેન્શન સેન્ટર્સમાં 41 હજાર બેડ છે જે વધારી 1 લાખ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.11
ડોનાલ્ડ ટ્રમ્પે બિગ બ્યૂટીફૂલ બિલ સંસદમાં પાસ કરાવ્યું એ પછી હવે બજેટમાં ફાળવણી પણ થઈ ગઈ છે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે 170 અબજ ડોલર જેવી માતબર રકમ ફાળવી છે. તેના કારણે અમેરિકામાં આગામી મહિનાઓમાં ગેરકાયદે વસાહતીઓ સામે આકરાં પગલાં ભરાશે. તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેની તૈયારી પણ કરી દેવાઈ છે. તે ઉપરાંત બોર્ડર પર દીવાલ બાંધવાથી લઈને ચાંપતી નજર રાખવા માટે પણ બજેટ વધારાયું છે.
- Advertisement -
અમેરિકામાં અત્યારે ગેરકાયદે વસાહતીઓને રાખવા માટે 41 હજાર બેડની ક્ષમતા ધરાવતા ડિટેન્શન સેન્ટર્સ છે. એની ક્ષમતા વધારીને એક લાખ બેડ કરવા માટે 45 અબજ ડોલરનું ફંડ મંજૂર થયું છે.
અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો થયો કે ભવિષ્યમાં વધુ ગેરકાયદે વસાહતીઓ પકડાશે તેને ધ્યાનમાં રાખીને બે લાખ બેડની ક્ષમતા ધરાવતા ડિટેન્શન સેન્ટર્સ બનાવવાની ટ્રમ્પની ગણતરી છે.
દેશભરના સરહદી રાજ્યોમાં આ ડિટેન્શન સેન્ટર્સ ઉભા કરાશે અને એમાં ગેરકાયદે વસાહતીઓને કેદ રાખવામાં આવશે. ઈમિગ્રેશન વિભાગે અત્યારે 59 હજાર ગેરકાયદે વસાહતીઓની ઓળખ કરી લીધી છે. અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે વસાહતીઓ રહેતા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઈમિગ્રેશન એન્ડ બોર્ડર સિક્યોરિટી વિભાગ ગેરકાયદે વસાહતીઓને ઝડપી શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવશે.
તે માટે ઈમિગ્રેશન વિભાગના બજેટમાં તોતિંગ વધારો કરાયો છે. ઈમિગ્રેશન વિભાગ ગેરકાયદે વસાહતીઓ સામે રાષ્ટ્રવ્યાપી ઓપરેશન ચલાવી શકે તે માટે નવી ભરતી કરાશે. આ વિભાગમાં આગામી વર્ષોમાં 18 હજાર નવી ભરતી કરાશે. નવી ટેકનોલોજી વસાવવામાં આવશે. સરહદ પર નજર રાખવા માટેય વધુ 6.2 અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈમિગ્રેશન વિભાગ ઉપરાંત બોર્ડર સિક્યોરિટીના બજેટમાં તો વધારો કર્યો જ છે, સાથે સાથે રાજ્યોની સ્થાનિક એજન્સીઓ ગેરકાયદે વસાહતીઓને ઝડપી લેવામાં મદદ કરી શકે તે માટે 12.6 અબજ ડોલર જેટલી ફાળવણી કરી છે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ સરહદી સુરક્ષા, ગેરકાયદે વસાહતીઓની ઓળખ વગેરેમાં ઉપયોગી થાય એવી ટેકનોલોજી વિકસાવવા કે વસાવવા માટે 6.7 અબજ ડોલર આપ્યા છે. આ બધું જ બજેટ તબક્કાવાર ફાળવવામાં આવશે.2033 સુધીમાં અમેરિકાના તમામ ગેરકાયદે વસાહતીઓને પકડવા માટે ટ્રમ્પે અત્યારથી જ માતબર બજેટ ફાળવ્યું છે.
ટ્રમ્પની પહેલી ટર્મમાં અમેરિકા-મેક્સિકોની સરહદી દીવાલની યોજના સામે અનેક સવાલો ખડા થયા હતા. કેટલીય વખત સરહદી દીવાલની યોજનાના ફંડની મંજૂરી માટે અમેરિકન સંસદ અને ટ્રમ્પ સામ-સામે થઈ ગયા હતા, પરંતુ બીજી ટર્મમાં આ તરંગી તુક્કા પર સેનેટને ભરોસો બેઠો છે. 2016થી 2020ની પહેલી ટર્મમાં ટ્રમ્પે 650 કિલોમીટરની સરહદી દીવાલની મંજૂરી મેળવી હતી. એમાંથી માંડ 80 કિલોમીટરની દીવાલ બની હતી. એના બદલે બિલ બ્યૂટીફૂલ બિલ હેઠળ 1100 કિલોમીટરની દીવાલ માટે મંજૂરી મળી છે. તે ઉપરાંત 1450 કિલોમીટર સુધી બોર્ડરમાં અવરોધો ઉભા કરવાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ બધા માટે 46 અબજ ડોલર જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. પહેલી ટર્મમાં આ બજેટ માત્ર 15 અબજ ડોલરનું હતું.