નવ મુદ્દત પડી, ચમરબંધીઓને ક્યારે સજા?
ચાર આરોપીએ હજુ સુધી વકીલ નથી રોક્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વીતવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાથી આજ દિવસ સુધીમાં કુલ 10 મુદત આપી દેવામાં આવી છે અને હજુ સુધી કેસ ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી. કેસને ડીલે કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાર એસોસિયશનના તમામ સભ્યો આરોપીઓ વતી કેસ નહિ લડે તેવી સ્વૈચ્છિક જાહેરાત કરેલી હોવાથી આરોપીઓ વકીલ ન મળતા હોવાનાં બહાનાં બનાવી રહ્યા છે.
જો કે, હવે કોર્ટ દ્વારા આખરી મુદત આપી 3-12-2024ના રોજ બાકી રહેલા 4 આરોપીને વકીલ રાખવા ટકોર કરવામાં આવી છે. જો વકીલ નહિ રાખે તો સરકાર તરફે વકીલ ફાળવી કેસને આગળ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. સ્પેશિયલ પીપી દ્વારા પરિવારોને ઝડપથી ન્યાય મળે તે માટે આ કેસને ડે ટુ ડે ચલાવવામાં આવે તેવી અરજી પણ કરવામાં આવી છે.
- Advertisement -
25 મે, 2024ને શનિવારની એ સાંજ અને એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો હતો. તંત્રની બેદરકારીના કારણે 3-3 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં એકાએક આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થઈ ગયા. રાજકોટના નાના મવા રોડ પર આવેલા ઝછઙ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને આજે (25 નવેમ્બર) 6 મહિના પૂર્ણ થયા છતાં હજુ આ આગની જ્વાળાઓ બુઝાઇ રહી નથી. આજે પણ આ આગ મૃતકોના પરિવારોના હૃદયમાં સળગતી જોવા મળી રહી છે. કારણ કે, છ મહિના થયા બાદ પણ પીડિત પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે. આ અગ્નિકાંડમાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન, કોઈએ દીકરો તો કોઈએ દીકરી, કોઈએ પતિ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. તેમજ એક તો દંપતી જ અનંત યાત્રાએ ઊપડી ગયું હતું.
આ કેસ 23-07-2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો. 365 કુલ સાક્ષીઓનાં નિવેદન સાથેની ચાર્જશીટ 23-07-2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં સબમિટ કરવામાં આવી હતી. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી દ્વારા 07-11-2024ના રોજ ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે. દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરેલ છે અને કેસ ઓપન મૂકેલ છે. અત્યારસુધીમાં આ કેસ સબમિટ થતા કુલ 9 મુદત આપવામાં આવી છે અને હવે 10મી મુદત આગામી 3 ડિસેમ્બર 2024 આપવામાં આવી છે.
આ અંગે સ્પેશિયલ પીપીએ 9મી મુદત દરમિયાન કોર્ટ સમક્ષ લેખિતમાં અરજી કરી છે કે, આ કેસમાં ડે ટુ ડે કેસ ચલાવી પીડિત પરિવારજનોને ઝડપથી ન્યાય આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપાયેલ તમામ 15 આરોપી હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ઘણા આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજી પણ કરી છે, પરંતુ રાજકોટ સેશન્સ કોર્ટે તમામ જામીન અરજી રિજેક્ટ કરેલી છે.
TRP અગ્નિકાંડ માનવસર્જિત કહી શકાય: સુરેશ ફળદુ
રાજકોટ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટના નાના મવા રોડ પર ઝછઙ ગેમ ઝોન ખાતે માનવ સર્જિત અગ્નિકાંડ 25-05-2024ના રોજ સર્જાયો હતો. માનવ સર્જિત એટલા માટે કે અહીંયા ગેરકાયદે સ્ટ્રક્ચર હતું. કોઈ ફાયર સેફટીનાં સાધનો નહોતા. એક વર્ષ પહેલાં પણ વેલ્ડિંગના કારણે આગ લાગી હતી, આમ છતાં પણ તંત્રે કોઈ કાર્યવાહી કરી નહોતી. ટીપી શાખાએ બાંધકામ ડિમોલિશન માટે 260(1), 260(2) નોટિસ પણ પાઠવી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતા 25-05-2024ના રોજ દુર્ઘટના થઇ અને 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.