ગુજરાતમાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સામે જમીન દબાણના કેસ સામે ‘રાજકીય બદલો ?’
લોકસભાની ચૂંટણી બાદ ‘રાજકીય બદલો’ લેવાની વૃત્તિ વધી હોય તેમ રાજકીય પક્ષો-નેતાઓ સામે એક બીજા રાજ્યોમાં ભીંસ ઉતરવા લાગી છે. ગુજરાતમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ સામે જમીન દબાણનો મુદ્દો ઉખેળવામાં આવ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ સરકારે ભાજપના કાર્યાલય પર જ બુલડોઝર ફેરવી દીધું હતું.
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં કોલકતા સહિતના શહેરોમાં ગેરકાયદે દબાણ સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોલકત્તામાં ભાજપની ગેરકાયદે ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ભાજપનું કાર્યાલય જમીનદોસ્ત કરાયું હતું.
ભાજપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે કોઇપણ જાતની નોટીસ આપ્યા વિના કાર્યાલય તોડી નાખવામાં આવ્યું છે. ભાજપને રાજકીય રીતે નબળો પાડવા આમ કરાયું છે. બાજુમાં જ ટીએમસીનું કાર્યાલય પણ ગેરકાયદે છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સામે વડોદરામાં જમીન દબાણનો કેસ કરાયો છે. રાજકીય બદલારૂપે કોલકત્તામાં કાર્યવાહી થઇ છે કે કેમ તે વિશે ચર્ચા છે.