15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની કેશોદ ઉજવણી: જૂનાગઢ શહેરની મનપા કચેરીએ ઉજવણી
ભવનાથમાં રૂદ્રેશ્ર્વરજાગીર આશ્રમ, જટાશંકર મહાદેવનાં સાનિધ્યમાં તિરંગો લહેરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરિવહન અને પ્રવાસન રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાન સાથે સલામી આપી, નાગરિકોને 76માં રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી. તેમજ મંત્રીએ ખુલ્લી જીપમાં સુરક્ષા દળોની સલામી ઝીલી પરેડ નિરીક્ષણ કરવાની સાથે લોકોનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે મંત્રીએ કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે કલેકટર શ્રી રચિત રાજને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.કેશોદ ખાતેની આદર્શ નિવાસી શાળાના પરિસરમાં જિલ્લા કક્ષાની આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થતા મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું કે, દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવ સાથે ઉજવણી કરી રહ્યા છીએ. હર ઘર તિરંગાના રાષ્ટ્રમંત્ર સાથે દેશભક્તિના રંગે રંગાયો છે.તેમજ જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. મનપા કચેરીનાં મેદાનમાં મેયર ગીતાબેન પરમારે તિરંગાને સલામી આપી હતી. આ ઉપરાંત ભવનાથમાં આવેલા રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમમાં મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુની આગેવાનીમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી. તેમજ 75માં સ્વાતંત્ર દિન નિમિતે ગીરનારના ગુપ્ત દ્વાર સમા શ્રી જટાશંકર મહાદેવ ખાતે રાષ્ટ્રીય શણગારથી મહાદેવને સજાવવામાં આવ્યા હતાં. રાષ્ટ્ર વંદનાનો ભવ્ય કાર્યક્રમ વિશ્ર્વ કલ્યાણ અને રાષ્ટ્ર ઉન્નતિના ઉચ્ચતમ વિચારો અને પ્રાર્થના સાથે મહંત શ્રી પૂર્ણાનંદ ગુરુ બાલાનંદના અધ્યક્ષથાને યોજાયો હતો.
આ પ્રસંગે જટાશંકર દાદાના સહુ ભક્તોએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. ગરવા ગીરની ગીરીકંદરાઓની ગોદમાં વરસાદના અમીછાંટણાઓ વચ્ચે તાલાલાના મીલ કમ્પાઉન્ડ ખાતે પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીએ ફૂલથી શણગારેલી ખુલ્લી જીપમાં બેસી ગીર સોમનાથ જિલ્લા પોલીસ પ્લાટૂનનું નિરિક્ષણ કર્યું હતું. જે પછી ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં દરેક ગામ અને તાલુકા કેન્દ્ર ઉપર 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.