છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં આજે (6 ઓગસ્ટે) જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે.
સેનસેક્સ અને નિફ્ટી ગ્રીન સીગ્રનલમાં ખુલ્યા
- Advertisement -
અમેરિકામાં મંદીના ડર વચ્ચે છેલ્લા સત્ર દરમિયાન વિશ્વભરના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે આજે એશિયાઈ બજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં આજે (6 ઓગસ્ટ) સેન્સેક્સ 222.57 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 78,981.97 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી પણ 134.25 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 24,189.85 ગ્રીન સીગ્નલ પર ખુલ્યો છે.
અમેરિકામાં મંદીના ભણકારાને કારણે મૂડ બગડ્યો
તમને જણાવી દઈએ કે સોમવારે અમેરિકામાં મંદીના ભણકારાને કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 662 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક, આઈટી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. 4 જૂન પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ તે દિવસે બજાર પાંચ ટકાથી વધુ તૂટ્યું હતું. સોમવારે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 441.84 લાખ કરોડ થઈ હતી. રોકાણકારોને બે દિવસમાં રૂ. 19 લાખ કરોડથી વધુનું નુકસાન થયું.
- Advertisement -
બજારનો મૂડ થયો ખરાબ
માર્કેટ એક્સપર્ટના માટે, યુ.એસ.માં રોજગારીના નિરાશાજનક આંકડાઓને કારણે મંદી અને યેનના વિનિમય દરમાં તીવ્ર વધારો થવાથી કેરી ટ્રેડ એટલે કે સસ્તા દરે ઉધાર લઈને બીજા દેશોની સંપત્તિઓમાં રોકાણ અટકી જવાની સંભાવનાઓને લઈને રોકાણકારોમાં સાવચેતીભર્યા વલણ સાથે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. શેરબજારના આંકડા અનુસાર સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ લગભગ 10 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા.
રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી
ગઈકાલે માર્કેટ કડડભૂસ થવા સાથે રોકાણકારોની મૂડી 15.38 લાખ કરોડ ઘટ્યા બાદ આજે મૂડી 3 લાખ કરોડ વૃદ્ધિ સાથે ખોટ થોડાક અંશે સરભર થઈ છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ 3786 શેર્સ પૈકી 2495 શેર્સમાં સુધારો અને 1132માં ઘટાડો જોવા મળ્યો છે. આજે 207 શેર્સમાં અપર સર્કિટ અને 191 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. 156 શેર્સ વર્ષની ટોચે અને 23 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. સેન્સેક્સ પેકમાં 30 સ્ક્રિપ્સ પૈકી 21માં 2.32 ટકા સુધી ઉછાળો જ્યારે નવ શેર્સમાં 1 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થતાં જોવા મળ્યા છે.
અમેરિકી શેર બજારમાં મંદીનું જોર વધ્યું!
ઈન્ડિયા VIX 8.26 ટકા તૂટી 18.68 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે માર્કેટ ઘણા અંશે સ્થિર બન્યું હોવાનો સંકેત આપે છે. જો કે, વૈશ્વિક સ્તરે અમેરિકી શેર બજારમાં મંદીનું જોર વધ્યું છે. ગઈકાલ ડાઉ જોન્સ 1033.99 પોઈન્ટ જ્યારે નાસડેક 576.08 પોઈન્ટના કડાકા સાથે શેરબજાર માટે બે વર્ષનો સૌથી ખરાબ દિવસ રહ્યો હતો. બીજી બાજુ એશિયન બજારોમાં નિક્કેઈ, કોસ્પી સહિતના શેર માર્કેટ રિકવર થયા હતા.