કથામૃત: એક જંગલ હતું. વૃક્ષોની સંખ્યા થોડી ઓછી હતી અને એમાં પણ કઠિયારો રોજ આવીને થોડા વૃક્ષો કાપી જતો. આથી દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઘટી રહી હતી. એક દિવસ કઠિયારો જંગલમાં વૃક્ષો કાપવા માટે આવ્યો એને જોઈને નાનો છોડ ગભરાવા લાગ્યો. બીકથી ધ્રુજતા-ધ્રુજતા કઠિયારો શું કરી રહ્યો છે, તે આ નાનો છોડ જોઈ રહ્યો હતો.
કઠિયારો ધારદાર કુહાડો લઈને આવ્યો. શરૂઆતના એક-બે ઝાડ છોડી દીધા પછી એક ઝાડ કાપીને ચાલતો થયો. બીજાં દિવસે આવ્યો ત્યારે ફરીથી એકાદ ઝાડ છોડીને પછીનું એક ઝાડ કાપીને ચાલતો થયો. ત્રીજા દિવસે પણ આવું જ બન્યું. પેલો નાનો છોડ મૂંઝાયો કે, ‘આ કઠિયારો બધાં ઝાડ કાપવાને બદલે અમુક ઝાડ જ શા માટે કાપે છે?’
કઠિયારો ઝાડ કાપીને જતો રહ્યો પછી નાના છોડે પોતાની બાજુમાં જ રહેલા એક ઘટાટોપ વડલાને પૂછ્યું, દાદા, આ કઠિયારો રોજ આવીને ઝાડ કાપી જાય છે, પણ બધાં ઝાડ કાપવાના બદલે અમુક ઝાડ કાપે છે અને અમુક છોડી દે છે. આવું શા માટે કરે છે?
વડીલ વૃક્ષે આ નાના છોડની જિજ્ઞાસાથી પ્રભાવિત થઈને કહ્યું, બેટા, તારું નિરીક્ષણ બહુ સારું છે. થોડું વધારે ધ્યાનથી નિરીક્ષણ કર તો તને તારા સવાલનો જવાબ મળી જશે. છોડે થોડા દિવસ ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને પછી વડલાને કહ્યું, દાદા, મેં જોયું કે કઠિયારો માત્ર સીધા વૃક્ષ હોય એને જ કાપે છે. જે વૃક્ષ ત્રાસાબાંગા હોય એને કાપતો નથી. પણ આવું શું કામ કરે છે તે ખબર ન પડી.
વડલાએ કહ્યું, સાબાશ બેટા, તને તારો જવાબ મળી જ ગયો. બેટા, સીધા વૃક્ષને કાપવા બહુ સહેલા છે. તેને કાપવા માટે વધુ મહેનત કરવી પડતી નથી અને એના લાકડાનું મૂલ્ય પણ સારું ઉપજે છે. જો ઓછી મહેનતે વધારે લાભ મળે તો પછી કઠિયારો ત્રાસાબાંગા વૃક્ષો થોડા કાપે?
અર્થામૃત: વનમાં સીધાં વૃક્ષો કપાઈ જાય છે; જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોને કોઈ સ્પર્શ કરતું નથી. તે જ રીતે મનુષ્ય અત્યંત સીધા અને સરળ સ્વભાવ ન ધરાવવો જોઈએ.
- Advertisement -
બોધામૃત: આ દુનિયામાં પણ જે સાવ સીધી લીટીમાં ચાલનારા છે, એ સૌથી પહેલા કપાય છે. માટે, થોડા વ્યવહારુ પણ બનવું. ભલે કોઈને કરડીએ નહીં, પણ ફૂંફાડા તો મારતા રહેવા. નહીંતર લોકો મારી નાંખશે.
અનુભવામૃત: તમારી જાતને આદર આપો; તો જ બીજાં લોકો તમને આદર આપશે. -ક્ધફ્યુશિયસ