ખાસ-ખબર ન્યૂઝ ઈં ગીર સોમનાથ, તા.30
ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 791, તાલાલામાં 795, કોડીનારમાં 588 અને ઉના મતવિસ્તાર વિભાગમાં 322 કર્મચારીઓ-અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી અને ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને વિવિધ કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યો હતો. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ યુનિવર્સિટી ખાતે યોજાયેલ 13-જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 90- સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડિંગ, ફર્સ્ટ પોલિંગ અને પોલિંગ ઓફિસર્સને તાલીમ વર્ગમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને એકમેકના સહયોગથી સારી રીતે લોકસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે જરૂરી પ્રેરણા પૂરી પાડી હતી
પ્રિસાઇડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલિંગ અને પોલિંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોક્સાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે જુદા-જુદા વૈધાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજિસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ ઊટખ મશીન ટટઙઅઝ સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે તાલીમાર્થીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત, ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય 12 દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ પણ આપવામાં હતી. આ તાલીમ દરમિયાન તમામ કર્મચારીઓ-અધિકારીઓ પાસેથી ફોર્મ-12 અને ફોર્મ-12અ, પોસ્ટર બેલેટ અને ઈ.ડી.સી.ના ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જેથી ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પણ પોતાનો અમૂલ્ય મત આપી શકે.