એક જ ગામના પાંચ યુવાનોના મોતથી શોકનો માહોલ, બે દિવસથી ગામમાં ચૂલો નથી સળગ્યો
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના માત્ર 350 લોકોની વસ્તી ધરાવતા નળીયા ગામમાં એક ગોઝારી ઘટના બની છે. મંગળવારે બપોરે ખેતરમાં જતા 8 યુવાનો ડીપીમાં (પાણીના મોટા ખાડા) તણાયા હતા, જેમાંથી 5ના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા સુનીલભાઈ પરમારે જણાવ્યું કે, તેઓ બધા મિત્રો ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક ડીપીમાં પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ તણાવા લાગ્યા. તરતા આવડતું હોવાથી સુનીલભાઈ અને અન્ય બે મિત્રો બાવળ પકડીને બચી ગયા, પરંતુ પાંચ યુવાનો ડૂબી ગયા. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ વિનોદભાઈ ગાંડાભાઈ ભીલ, ઉત્તમભાઈ રામજીભાઈ ભીલ, પ્રવિણભાઈ બળવંતભાઈ ચૌધરી અને હિરાભાઈ લાલાભાઈ ભીલ તરીકે થઈ છે, જ્યારે પાંચમા યુવાન જલારામભાઈ જયંતીભાઈ નાઈની શોધખોળ ચાલુ છે. મૃતકોમાં એક યુવાનના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા, જ્યારે અન્ય એકની પત્ની ગર્ભવતી છે. આટલા નાના ગામમાં એકસાથે પાંચ યુવાનોના મોતથી આઘાત અને શોકનું વાતાવરણ છે. ગામના લોકોના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ છેલ્લા બે દિવસથી ગામના એક પણ ઘરમાં ચૂલો સળગ્યો નથી અને કોઈએ અન્ન પણ લીધું નથી. જઉછઋ અને ફાયરની ટીમો દ્વારા મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. ગામલોકોએ જણાવ્યું કે, અધિકારીઓ સિવાય બીજું કોઈ દેખાયું નથી.
- Advertisement -
સાંતલપુરના નારાયણનગર ઠાકોરવાસમાં વરસાદી પાણીથી હાલાકી
સાંતલપુર તાલુકાના બાબરામાં આવેલા નારાયણનગર ઠાકોરવાસના 70 થી 80 પરિવારોને છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના તમામ કાચા મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે અને લોકો ઘર છોડી બહાર રહેવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોની વ્યથા: મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવારો માટે વરસાદે આજીવિકાની સમસ્યા ઊભી કરી છે, કારણ કે પાણી ભરાવાના કારણે તેઓ બહાર કામ માટે પણ જઈ શકતા નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા ત્રણ દિવસથી ખાનગી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી ફૂડ કીટ પર નિર્ભર છે.
લોકોએ કહ્યું કે, “અમારા ઘરનો સરસામાન પલળી ગયો છે અને આજે પાણી ઓસર્યા હોવા છતાં ઘરમાં જઈ શકાય તેવી સ્થિતિ નથી.”
આ કપરા સમયમાં સરકારી સહાય કે કોઈ અધિકારીએ મુલાકાત ન લીધી હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.



