સોલાર કંપની દ્વારા બે હજારથી પણ વધુ વૃક્ષો કાપી નાખ્યા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર સોલાર પ્રોજેક્ટ નિર્માણ થઈ રહ્યા છે જેમાં સરકારની પી.પી.પી યોજના થકી સોલાર પ્લાન્ટમાં પાવર ઉત્પન કરી તેની સામે જે તે કંપનીને પાવરનું સાટું કરવાં માટે સસ્તી જમીન ખરીદી આજુબાજુના સરકારી જમીન હોય કે ગૌચર દબાણમાં લઈ ગેરકાયદેસર જમીન પર કબ્જો કરવાનું કાંડ પણ ચાલે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે સાથી મોટો સોલર પ્લાન્ટ નિર્માણ થવાના આરે છે અને આ સોલાર પ્લાન્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના રોડ તોડી પડતાં હવે રાહદારીઓને આવવું જવું મુશ્કેલ બન્યું છે રોડ પર ભારે અને ઓવર લોડ વાહનો ચાલતા હોવાના લીધે ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર અને ખાડા ખદબચડા જેવા થઈ ચૂક્યા છે જેના લીધે અહીંથી ગ્રામ્ય વિસ્તારોના વાહનો નીકળવા પણ ખુબ જ મુશ્કેલ છે જે અંગે કૃષ્ણનગર ગામના અશ્વિનભાઈ પટેલ દ્વારા તંત્રને આ મામલે લેખિત જાણ પણ કરાઈ છે
- Advertisement -
પરંતુ મોટી માલવણ ખાતે ચાલતા આ સોલાર પ્રોજેક્ટમાં રાજકીય વગ ધરાવતા કેટલાક નેતાઓ બંધ બારણે હોવાથી પ્રશાસન ગાંધીજીના વાંદરાની માફક બની ચૂક્યું છે. ત્યારે રોડ બિસ્માર થઈ ચૂક્યો હોવાથી શુક્રવારે સવારના સમયે એક ટ્રક પલ્ટી થઈ ગયો હતો અને જેના લીધે કલાકો સુધી ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા રાહદારી કલાકો સુધી ટ્રાફીકમાં ફસાયા હતા. ત્યારે અગાઉ પણ અનેક રજૂઆત છતાં તંત્રે ધ્યાન નહીં આપતા અંતે રોડની હાલતને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી હાલાકીને લઈ અશ્વિનભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ” મોટી માલવણ ખાતે સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ રાજકીય વગ ધરાવતા નેતાઓના ઇન્વેસ્ટમેન્ટનો છે. સરકારના તમામ નિયમોને નેવે મૂકી સોલાર પ્રોજેક્ટની બાજુમાં આવેલ અભયારણ્ય વિસ્તાર હોવા છતાં વન વિભાગે મંજૂરી આપી છે આ સાથે અહીં બે હજારથી વધુ વૃક્ષો સોલર પ્રોજેક્ટમાં નડતર રૂપ હોવાના લીધે કાપી નાખ્યા છે અને વન વિભાગ પણ મૂકપ્રેક્ષક બનીને બેઠું રહ્યું છે. ત્યારે ગ્રામજનો દ્વારા આગામી સમયમાં સોલાર પ્રોજેક્ટ સામે આંદોલનનું રણશિંગુ ફુંકે તેવા એંધાણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે.



